ભાવનગર જિલ્લામાં 47 લાખની વીજચોરી ઝડપાઈ

Updated: Dec 28th, 2023


Google NewsGoogle News
ભાવનગર જિલ્લામાં 47 લાખની વીજચોરી ઝડપાઈ 1 - image


- ભાવનગરમાં વીજચોરોને ઝડપવા પીજીવીસીએલના વ્યાપક દરોડા

- જ્યોતિગ્રામ ફીડરો પર 41.10 ટકા અને ખેતીવાડી ફીડરો ઉપર 19.68 ટકાની વીજતંત્રને ખોટ

ભાવનગર : ભાવનગરમાં વીજચોરીને અટકાવવા પીજીવીસીએલ દ્વારા દરોડા પાડીને પાલીતાણાવિભાગીય કચેરી હેઠળના વિસ્તારોમાં વાણીજ્યક, ખેતીવાડી વીજ જોડાણમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બે દિવસ દરમિયાન ૪૭.૭ લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે. વીજચોરીના દુષણને ડામવા આગામી સમયમાં ચેકિંગની આ ઝુંબેશને વધુ વ્યાપક અને ગતિશીલ બનાવવામાં આવશે.

સૌરાષ્ટ્ર- કચ્છમાં વધી રહેલા વીજચોરીના દુષણને નાથવા પીજીવીસીએલ દ્વારા અવારનવાર ચેકિંગ હાથ ધરવામાં આવે છે. છેલ્લા ૨ દિવસમાં ઇન્સ્ટોલેશન ચેકિંગ ડ્રાઈવના અનુસંધાને ભાવનગર જિલ્લાની પાલીતાણાવિભાગીય કચેરી હેઠળની તળાજા ૧, તળાજા ૨, ત્રાપજ, ઘોડીઢાળ અને પાલીતાણા ગ્રામ્ય પેટાવિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારોમાં પીજીવીસીએલ દ્વારા ૬૮ ટીમોએ વીજચેકિંગની કામગીરી કરી હતી. જેમાં વાણીજ્યક, ખેતીવાડી મળીને કુલ ૫૩૯ જેટલા વીજ જોડાણ ચકાસવામાં આવ્યા હતા. જેમાં ૧૬૮ વીજ જોડાણોમાં જુદાં-જુદાં પ્રકારની ગેરરિતિ માલૂમ પડતા કુલ રુ. ૪૭.૭ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ભાવનગર વર્તુળ કચેરી હેઠળ જ્યોતિગ્રામ ફીડરો પર ૪૧.૧૦ ટકા તથા ખેતીવાડી ફીડરો પર ૧૯.૬૮ ટકા લોસને કવર કરવા આગામી દિવસોમાં ચેકિંગની ઝુંબેશ વધુ વ્યાપક બનશે.

મહુવા તાલુકામાં વીજચોરીનું પ્રમાણ

વીજતંત્રના સુત્રો અનુસાર સૌરાષ્ટ્ર કચ્છમાં વીજચોરીના કારણે ૧૩ તાલુકાઓમાં પીજીવીસીએલ તંત્ર ખોટમાં ચાલી રહ્યું છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનો આ ૧૩ તાલુકાઓમાં સમાવેશ થાય છે ત્યારે તંત્ર વીજચોરીના દુષણને ડામવા માટે વીજચેકિંગની કાર્યવાહી વધુ ઝડપી બનશે.


Google NewsGoogle News