ભાવનગર જિલ્લામાંથી સતત બીજા દિવસે 44 લાખની વીજચોરી ઝડપાઈ
પીજીવીસીએલ તંત્ર દ્વારા સતત બીજા દિવસે વીજ ચેકિંગ
૪૧૭ વીજજોડાણોની ચકાસણી પૈકી ૯૭ વીજજોડાણોમા ંગેરરીતી ઝડપાઈ
ભાવનગર: પીજીવીસીએલ તંત્ર દ્વારા ગઈકાલે પાલિતાણા વિભાગીય કચેરી હેઠળ ચેકિંગ બાદ આજે સતત બીજા દિવસે વીજ ચેકિંગ હાથ ધરાયું હતું. આજે મહુવા વિભાગીય કચેરી હેઠળ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૪૪.૧૫ લાખની વીજચોરી ઝડપાઈ હતી. વીજચોરી કરતા ઝડપાયેલા લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો.
પીજીવીસીએલ તંત્ર દ્વારા સતત બીજા દિવસે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું. ગઈકાલે પાલિતાણા વિભાગીય કચેરી હેઠળ ચેકિંગમાં ૪૭ લાખની વીજ ચોરી ઝડપ્યા બાદ આજે જિલ્લાની મહુવા વિભાગીય કચેરી હેઠળની બગદાણા, મહુવા ગ્રામ્ય-૧, મહુવા ગ્રામ્ય-૨ અને જેસર પેટાવિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારોમાં વિજ ચેકિંગ હાથ ધરાયું હતું. વાણીજ્યક, ખેતીવાડી વગેરે મળીને કુલ ૪૧૭ જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યા હતા. જે પૈકી ૯૭ વીજ જોડાણોમાં જુદાં-જુદાં પ્રકારની કુલ રૂ. ૪૪.૧૫ ની ગેરરીતિ ઝડપાઈ હતી. જેમને દંડ ફટકારવામાં આવ્યો હતો. જેમાં જેસર પેટા વિભાગીય કચેરી હેઠળ વીજચોરી કરતા ઝડપાયેલ નીરુભા જેસુભા સરવૈયાને રુ. ૨૦ લાખનો દંડ અને મહુવા ગ્રામ્ય-૨ પેટા વિભાગીય કચેરી હેઠળ વીજચોરી કરતા ઝડપાયેલ પ્રવીણભાઈ નાનજીભાઈ ડોલાસીયાને રુ. ૨.૫૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.