દિવાળીના તહેવારો ટાણે ઉમરાળા શહેરમાં વીજળીના ધાંધિયા વધ્યા

- ધોળા ૬૬ કે.વી.પર ભારણ વધતા છાસવારે સર્જાતો ફોલ્ટ

- મોલાતને પિયત આપવાના ખરા ટાણે જ વીજળીના ધાંધિયા વિલન બન્યા

Updated: Oct 29th, 2021


Google NewsGoogle News
દિવાળીના તહેવારો ટાણે ઉમરાળા શહેરમાં વીજળીના ધાંધિયા વધ્યા 1 - image

ઉમરાળા, તા.૨૮

વીજળી પુરવઠાના ધાંધિયા એ આમ તો ઉમરાળા માટે નવા નથી, પરંતુ હાલ દિવાળીના સપરમા તહેવારો આવી રહ્યા છે ત્યારે પણ વીજધાંધિયામાં અભૂતપૂર્વ વધારો થયો છે. રતનપરના નવનિર્મિત સબ સ્ટેશનનું લોકાર્પણ કરાયાને ૨૭ મહિનાઓ બાદ પણ હજુ સુધી પરિસ્થિતિ સુધરી નથી. દિવાળીના તહેવારો ટાણે જ વીજધાંધીયા અનહદ વધી જતા લોકોમાં આક્રોશ વ્યાપેલ છે.

ઉમરાળા તાલુકા મથક અને આસપાસના ગામડાંઓની વીજ પુરવઠાની પરિસ્થિતિ સુધારવાના હેતુથી ૨૦૧૯માં ઉમરાળા-ચોગઠ રોડ પર રતનપુર ૬૬ કે.વી.ઈલેક્ટ્રીક સબસ્ટેશનનું લખલૂટ ખર્ચે જેટકોએ નિર્માણ કર્યુ હતુ.૧૫૩ લાખ વીજરેખાના નિર્માણ માટેની જોગવાઈ સહિત આ સબસ્ટેશનના નિર્માણ પાછળ કુલ રૃા. ૬૦૩ લાખ ખર્ચ બતાવ્યા હતા. આ નવનિમત સબસ્ટેશનનું જુલાઈ ૨૦૧૯માં વાજતેગાજતે લોકાર્પણ કર્યાના ૨૭ મહિના પછી પણ તાલુકા મથક ઉમરાળામાં વીજપુરવઠાની પરિસ્થિતિ સુધરી નથી. તાલુકા મથક સહિત જે ગામોના વીજળી પુરવઠાના ધાંધિયા નિવારવા માટે નવા ૬૬ કે.વી.પાછળ લાખો રૃપિયાનો ધુમાડો કરાયો તે ગામોની પરિસ્થિતિ હજુ  પણ જયાના ત્યાં જેવી રહ્યાની ફરિયાદો ચાલુ રહી છે. વિદ્યૃત બોર્ડના સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ૨૦૧૯માં નિમત નવું ૬૬ કે. વી. સબસ્ટેશ હજુ બરાબર કામ કરતું નથી. આથી તાલુકા મથક ઉમરાળાને પાછું ધોળા ૬૬ કે.વી.નીચે મૂકાયેલ છે અને ધોળા ૬૬ કે.વી.પર ભારણ વધવાથી અવારનવાર ફોલ્ટ સર્જાય છે.  ગુરૃવારે તાલુકા મથકની કચેરીઓ અને બેન્કો શરૃ થવાના સમયથી જ ધોળા ૬૬ કે.વી.ખાતે ફોલ્ટ સર્જાતા અહીં ત્રણ કલાકથી વધુ સમય સુધી વીજળી પુરવઠો બંધ રહેતાં બેન્કો તથા સરકારી કચેરીઓના વ્યવહારો અટકી પડયા હતા. આ અંગે ધોળા સબડિવિઝનના ડે.એન્જિનિયરને ફોન પર પૂછપરછ કરતાં તેમણે ધોળા ૬૬ કે.વી.માં ફોલ્ટ હોવાનું જણાવ્યું હતું, પણ ફોલ્ટ ક્યારે સુધરશે અને વીજ પુરવઠો ક્યારે પુનઃ ચાલુ થશે તેનો જવાબ તેમની પાસે ન હતો...!! આમ,દિવાળીના સપરમા તહેવારોની રજાઓ અગાઉ બેન્કો અને કચેરીઓના કામો નિપટાવી લેવા ઇચ્છતા આ તાલુકાના લોકો માટે તેમજ ખેતીવાડી ક્ષેત્રે મોલાતને પિયત આપવાના ખરા ટાણે જ વીજળીના ધાંધિયા વિલન બની રહ્યા છે.


Google NewsGoogle News