જામનગર શહેર અને ખંભાળીયામાં વીજતંત્ર દ્વારા ત્રણ સપ્તાહના વિરામ બાદ આજે ફરીથી વીજ ચેકિંગ શરૂ કરાયું
Jamnagar : જામનગર શહેરમાં ખંભાળિયા તેમજ ભાણવડ પંથકમાં ત્રણ સપ્તાહના વિરામ બાદ આજે વીજ તંત્ર દ્વારા ફરીથી વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને 41 વિજ ચેકીંગ ટુકડીઓને દોડતી કરાવાઈ હતી. અને ચેકિંગ દરમિયાન 85 વિજ જોડાણમાંથી ગેરરીતિ મળી આવી છે, અને તેઓને 38.15 લાખના વીજ ચોરીના પુરવણી બિલો અપાયા છે.
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઇવ દ્વારા આજે સવારે જામનગર શહેરના ગુલાબ નગર, સુભાષ બ્રિજ નજીકનો વિસ્તાર, ખોજા ગેઇટ, કાલાવડ નાકા બહાર ટીટોડી વાડી, અકબરશાનો ચોક, મચ્છર નગર, મોમાઈનગર, ગાંધીનગર બેડી બંદર રોડ સહિતના શહેરી વિસ્તારોમાં તેમજ ખંભાળિયા ટાઉન અને ભાણવડ સિટીના એરિયામાં સામુહીક રીતે વિજ ચેકીંગ હાથ કરવામાં આવ્યું હતું. 41 જેટલી વિજ ચેકિંગ ટુકડીને વહેલી સવારથી દોડતી કરવામાં આવી હતી, જેના માટે 20 નિવૃત આર્મી મેન અને 07 પોલીસના જવાનોને મદદમાં જોડવામાં આવ્યા હતા.
સમગ્ર દિવસ દરમિયાન કુલ 610 વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકી 85 વિજ જોડાણમાંથી ગેરરીતી મળી આવી છે, અને તેઓને રૂપિયા 38.15 લાખના વિજચોરીના પુરવણી બિલો અપાયા છે. વીજ તંત્ર દ્વારા જામનગર શહેર ઉપરાંત ખંભાળિયા સીટી અને ભાણવડના સિટી એરિયામાં પણ વિજચેકિંગ કરવામાં આવ્યું હતું.