આજે જિલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી થશે
- ભાજપ-કોંગ્રેસના 32 સભ્યએ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી માટે ફોર્મ ભર્યા
- જિલ્લા પંચાયતમાં ભાજપની બહુમતી, 10 તાલુકા પંચાયતમાંથી સિહોર અને ગારિયાધારમાં નવા જુની થવાની શકયતા
અઢી વર્ષ પૂર્વે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાય હતી, ત્યારબાદ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવી હતી. હાલ ભાવનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખોની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થઈ રહી છે તેથી આવતીકાલે તા. ૧૩ સપ્ટેમ્બરને બુધવારે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે. આ ચૂંટણી માટે આજે મંગળવારે સવારે ૧૧ થી બપોર ર કલાક સુધી જિલ્લા પંચાયત કચેરી ખાતે ચૂંટાયેલા સભ્યો ઉમેદવારી નોંધાવી હતી. જિલ્લા પંચાયતમાં પ્રમુખની ચૂંટણી માટે ભાજપના સભ્ય રૈયાબેન મુળજીભાઈ મિયાણી અને વિપક્ષના સભ્ય લાલુબેન નરશીભાઈ ચૌહાણએ ફોર્મ ભર્યા હતા, જયારે ઉપપ્રમુખની ચૂંટણી માટે ભાજપના વિક્રમ નાનજીભાઈ ડાભી અને કોંગ્રેસના બળદેવ માવજીભાઈ સોલંકીએ ફોર્મ ભર્યા હતાં. ભાજપ પાસે બહુમતી છે તેથી તેના સભ્ય વિજેતા થશે.
જિલ્લાની ૧૦ તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી લડવા માટે ર૮ ઉમેદવારે ફોર્મ ભર્યા છે, જેમાં ગારિયાધારમાં કોંગ્રેસની બહુમતી છે, જયારે ૯ તાલુકા પંચાયતમાં ભાજપ પાસે બહુમતી છે. ગારિયાધાર અને સિહોર તાલુકા પંચાયતમાં બહુમતીવાળી પાર્ટીના કેટલાક સભ્યનો સંપર્ક નહી થતા આ બંને તાલુકા પંચાયતમાં નવા જુની થવાની સંભાવના છે તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે. આવતીકાલે બુધવારે ચૂંટણી પૂર્ણ થયા બાદ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. મોટાભાગની પંચાયતમાં ભાજપના સભ્યો પ્રમુખ-ઉપપ્રમુખ બનશે. ઉમેદવારી ફોર્મ ભરાતા નામો જાહેર થઈ ગયા છે તેથી ચૂંટણી પૂર્ણ થતા પ્રમુખ-ઉપપ્રમુખને આવકારવા સમર્થકો ઉમટી પડશે તેમ જણાય રહ્યુ છે.