આજે જિલ્લા-તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી
- ભાવનગર જિલ્લા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસના સભ્યોએ ઉમેદવારી ફોર્મ ભર્યા
- ભાવનગર, પાલિતાણા, તળાજા, ઘોઘા તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસના સભ્યોએ ફોર્મ ભરતા ચૂંટણી થશે
ભાવનગર : જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં આવતીકાલે ગુરૂવારે પ્રમુખ-ઉપપ્રમુખના પદ માટે ચૂંટણી થશે અને આ ચૂંટણી માટે આજે બુધવારે ભાજપ-કોંગ્રેસ અને આપના ચૂંટાયેલા સભ્યોએ ઉમેદવારી પત્ર ભર્યા હતાં. ભાવનગર જિલ્લા પંચાયતમાં ચૂંટણી થશે, જયારે કેટલીક તાલુકા પંચાયતમાં પણ ચૂંટણી થશે, જયારે કેટલીક તાલુકા પંચાયતમાં એક જ પક્ષના સભ્યોએ ફોર્મ ભરતા પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ જાહેર થશે. ઉમેદવારી ફોર્મ ભરાતા જ પ્રમુખ-ઉપપ્રમુખના નામ જાહેર થઈ ગયા છે. ભાવનગર જિલ્લા પંચાયત અને ૧૦ તાલુકા પંચાયતમાં ગુરૂવારે સાધારણ સભા બોલાવવામાં આવી છે અને તેમાં પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી થશે.
ભાવનગર જિલ્લા પંચાયત અને ૧૦ તાલુકા પંચાયતમાં આવતીકાલે તા. ૧૮ માર્ચને ગુરૂવારે સવારે ૧૧ કલાકે પ્રમુખ, ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી થશે. આ ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાના હતા તેથી આજે બુધવારે ભાજપ-કોંગ્રેસ, આપના ચૂંટાયેલા કેટલાક સભ્યોએ ઉમેદવારી પત્ર ભર્યા હતાં. ભાવનગર જિલ્લા પંચાયતમાં પ્રથમ અઢી વર્ષ પ્રમુખનો હોદ્દો બિન અનામત છે તેથી જનરલ વર્ગમાંથી ઉમેદવાર પ્રમુખ બનશે. જિલ્લા પંચાયતમાં ભાજપના સભ્ય ભરતસિંહ દિલુભા ગોહિલે પ્રમુખ માટે અને ઘનશ્યામભાઈ વલ્લભભાઈ સિહોરાએ ઉપપ્રમુખની ચૂંટણી માટે ફોર્મ ભર્યા હતા, જયારે કોંગ્રેસના મનુભાઈ દડુભાઈ કામળીયાએ પ્રમુખ અને જીતેન્દ્રભાઈ ઘનેશ્વરભાઈ પનોતે ઉપપ્રમુખ પદની ચૂંટણી માટે ફોર્મ ભર્યુ છે. જિલ્લા પંચાયતમાં ભાજપને ૩૧ સીટ મળી છે અને કોંગ્રેસને ૮ બેઠક મળી છે, જયારે આપને ૧ બેઠક મળી છે. ભાજપની બહુમતી હોવાથી ભાજપના સભ્યો પ્રમુખ-ઉપપ્રમુખ બનશે તેમ જણાય રહ્યુ છે.
ભાવનગર, ઘોઘા, તળાજા, મહુવા, સિહોર, ગારિયાધાર, પાલિતાણા, વલભીપુર, ઉમરાળા, જેસર વગેરે ૧૦ તાલુકા પંચાયતમાં પણ પ્રમુખ, ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી થશે, જેેમાં પણ જે પક્ષની બહુમતી હશે તેના પ્રમુખ, ઉપપ્રમુખ બનશે. ૯ તાલુકા પંચાયતમાં ભાજપની બહુમતી છે અને ગારિયાધાર તાલુકા પંચાયતમાં કોંગ્રેસની બહુમતી છે. ૯ તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ બનશે તેવી શકયતા છે. જેસર તાલુકા પંચાયતમાં ભાજપની બહુમતી છે પરંતુ પ્રમુખ પદ માટે એસ.સી.અનામત છે, જેમાં ભાજપના કોઈ સભ્ય જીત્યુ નથી તેથી આપના ઉમેદવારને પ્રમુખ બનાવવા પડશે. આપના સભ્યએ આજે પ્રમુખ પદ માટે અને ભાજપના સભ્યએ ઉપપ્રમુખ પદ માટે ફોર્મ ભર્યુ હતું. જેસરમાં કોંગ્રેસના સભ્યોએ ફોર્મ ભર્યુ નથી તેથી પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ જાહેર થશે. ગારિયાધાર તાલુકા પંચાયતમાં ભાજપે ફોર્મ નહી ભરતા કોંગ્રેસના સભ્યો પ્રમુખ, ઉપપ્રમુખ પદ માટે બિનહરીફ જાહેર થશે. આ ઉપરાંત સિહોર, ઉમરાળા, વલભીપુર, મહુવા તાલુકા પંચાયતમાં કોંગ્રેસે ફોર્મ નહી ભરતા ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ થશે. ભાવનગર, પાલિતાણા, તળાજા, ઘોઘા તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસના સભ્યોએ ફોર્મ ભરતા ચૂંટણી થશે. ચૂંટણી બાદ ચૂંટાયેલા સભ્યોને આવકારવા કાર્યકર, સમર્થકોની ભીડ જામશે.
સિહોર, ઉમરાળા, વલભીપુર, મહુવા, જેસર તાલુકા પંચાયતમાં કોંગ્રેસે ફોર્મ નહી ભરતા પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ થશે : ગારિયાધાર તાલુકા પંચાયતમાં પણ ભાજપના સભ્યોએ ફોર્મ નહી ભરતા ચૂંટણી નહી થાય
તાલુકા પંચાયતમાં બિનહરીફ થનાર સભ્યોના નામ
ભાવનગર જિલ્લામાં સિહોર, ઉમરાળા, વલભીપુર, મહુવા, જેસર તાલુકા પંચાયતમાં કોંગ્રેસે ફોર્મ નહી ભરતા પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ થશે, જેમાં જેેેસર તાલુકા પંચાયતમાં માત્ર આપના સભ્ય અતુલ નૈયારણ પ્રમુખ બનશે, જયારે ભાજપના સભ્ય રાજાભાઈ બારૈયા ઉપપ્રમુખ બનશે. સિહોર, ઉમરાળા, વલભીપુર અને મહુવામાં ભાજપના સભ્યો પ્રમુખ-ઉપપ્રમુખ બનશે. સિહોરમાં તૃપ્તિબેન જસાણી પ્રમુખ અને ઈશ્વર કુવાડીયા ઉપપ્રમુખ, ઉમરાળામાં ધર્મેન્દ્ર લખાણી પ્રમુખ અને સુજાનસિંહ ગોહિલ ઉપપ્રમુખ, વલભીપુરમાં હેમાંગિનીબા ગોહિલ પ્રમુખ અને બાબુભાઈ ઢાઢોદરા ઉપપ્રમુખ બનશે. મહુવામાં ગીતાબેન મકવાણા પ્રમુખ અને સંજય બારોટ ઉપપ્રમુખ બનશે.