પૈસા ગણવામાં મદદના બહાને વૃધ્ધા સાથે 3.50 લાખની ઠગાઇ
વડોદરાના વૃધ્ધા ખરીદી કરવી રહ્યા હતા ત્યારે
2 મહિલાઓએ ઘરેણાની પોટલી વાળી બેગમાં નાખી : પોટલી ખોલીને જોતા ખોટી વસ્તુઓ હતી
રાજકોટ : રાજકોટમાં લગ્નમાં આવ્યા બાદ ખરીદી કરવા ગયેલા પલ્લવીબેન કિરણભાઇ વડોદરીયા (ઉ.વ.૬૫, રહે. અન્નપૂર્ણા હાઉસીંગ સોસાયટી, માંજલપૂર, વડોદરા) રઘુવીરપરામાં હતા ત્યારે બે અજાણી મહિલાઓએ પૈસા ગણી આપવાના બહાને રૃા. ૩.૫૦ લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના લઇ જઇ છેતરપિંડી કર્યાની એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
પલ્લવીબેને પોલીસને જણાવ્યું કે, ગઇ તા. ૨૨નાં તેના પરિચિત વેપારી રહીમભાઈને ત્યાં તેના દિકરાના લગ્ન હોવાથી તે પતિ સાથે ટ્રેન મારફત રાજકોટ આવ્યા બાદ અહીં નણંદ-અલ્કાબેનના ઘરે રોકાયા હતાં. ગઇકાલે તે પતિ કિરણ સાથે ધર્મેન્દ્ર રોડ, ઘી કાંટા રોડ પાસે ખરીદી કરવા ગયા હતા. પતિને કામ હોવાથી તે તેને ઉતારી ત્યાંથી જતા રહ્યા હતા.
તે ખરીદી કરી રહ્યા હતા ત્યારે રઘુવીરપરા પાસે એક અજાણી મહિલાએ તેને સામે જે બહેન ઉભા છે તેની પાસે બહુ પૈસા છે અને તેને પૈસાની ખબર પડતી નથી તે બહેનને જયપુર જવું છે તો આપણે બંને તેની પાસે રહેલા રૃપિયા ગણી આપીએ બાદમાં હું તેને જયપુરની બસમાં તેને બેસાડી દઉં, તો તમે પૈસા ગણવામાં મદદ કરો તેમ કહ્યું હતું. આથી તે તૈયાર થતા બંને અજાણી મહિલાઓએ અંદરો-અંદર વાતચીત કર્યા બાદ તેને કાંઇ કરી નાખતા તે બોલી શકતા ન હતા. અને બંનેએ તેને તમે પહેરેલા દાગીના અમને એક રૃમાલમાં બાંધીને આપો કહી રૃમાલ આપતા તેણે તેના પોતાની ચાર સોનાની બંગડી, સોનાનો ચેઇન અને પેન્ડન્ટ તેને આપતા તે મહિલાઓએ દાગીના રૃમાલમાં બાંધ્યા હતાં.
ત્યારબાદ બંનેએ તેને એક આફી આ બેગમાં રૃપિયા છે તેમાંથી તમે અમને રૃા. ૫૦ હજાર ગણી આપો કહી તેને એક બેગ આપી તેમાં પોટલી વાળેલો રૃમાલ તેમાં મૂકી આ રૃમાલમાં તમારા દાગીના છે, તેમ કહ્યું હતું. તે રૃપિયા ભરેલી બેગ લઇ નજીકની શેરીમાં જતા તેમાં રૃપિયા જોવા મળ્યા ન હતાં. એક રૃા. ૫૦૦ની નોટ હોય નીચે કાગળની થપ્પી જોવા મળી હતી. આથી તેણે પોટલી વાળેલો રૃમાલ ખોલી જોતા તેમાં ચાર ખોટી બંગડી દેખાઇ હતી. આથી તેણે શેરીમાંથી નિકળી બંને મહિલાઓની તપાસ કરતાં તે ભાગી ગઇ હોવાનું જાણવા મળતાં ફરિયાદ નોંધાવી હતી.