શિક્ષણ વિભાગે કેટ પરીક્ષાની તારીખ સાથે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું
- ધો.૫ના વિદ્યાર્થીને તૈયારીનો અવકાશ મળે તે હેતુ
- પ્રશ્નપત્રના વિષયવાર ગુણભાર તેમજ અભ્યાસક્રમ સહિતની બાબતો જાહેર કરાઇ
શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કૂલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કૂલ્સ, રક્ષાશક્તિ સ્કૂલ્સ અને મોડેલ સ્કૂલ્સમાં ધોરણ-૬માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના માટેની કોમન પ્રવેશ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા.૨૨-૩-૨૦૨૫ના રોજ યોજાનાર છે. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ-૧ થી ૫નો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર તેમજ ધોરણ-૫માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉક્ત યોજનાની શાલાઓમાં જુન-૨૦૨૫માં ધોરણ-૬માં કોમન પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે પ્રવેશ તથા મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ (ધોરણ-૬ થી ૧૨ના અભ્યાસ માટે) કોમન પ્રવેશ પરીક્ષાના મેરીટને આધારે આપવામાં આવશે. સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ-૫નો અભ્યાસ પૂર્ણ કરનાર અને હાલ ધોરણ-૫માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને રક્ષાશક્તિ સ્કૂલ્સ (કુલ બેઠકના ૨૫ ટકાની મર્યાદામાં) તેમજ પોતાના જ તાલુકાની મોડેલ સ્કૂલ્સમાં ધોરણ-૬માં પ્રવેશ માટે આ કોમન પ્રવેશ પરીક્ષા (સી.ઇ.ટી.)ના મેરીટના આધારે પ્રવેશ મેળવી શકશે. આમ વિદ્યાર્થી ધો.૫ થી જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં ઘડાશે. આ પરીક્ષા બહુવિકલ્પ સ્વરૂપની રહેશે જેનું પ્રશ્નપત્ર ૧૨૦ ગુણનું તથા સમય ૧૫૦ મિનિટનો રહેશે. જેનો અભ્યાસક્રમ ધો.૫ મુજબનો રખાયો છે. આમ પરીક્ષા પૂર્વે સુચારૂ આયોજન થઇ શકે તે હેતુ સાથે શિક્ષણ વિભાગ દ્વારા આગામી પરીક્ષાનું જાહેરનામુ જારી કરી દેવાયું છે.
કેટના મેરીટ બાદ હજુ સ્કૂલ ફાળવણી બાકી
ચાલુ વર્ષે કેટની લેવાયેલ પરીક્ષાનું મેરીટ લીસ્ટ જાહેર કરાયા બાદ સ્કૂલ પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી સ્કૂલ ફાળવણી કરાઇ નથી. જો કે, દિવાળી પહેલા સ્કૂલ ફાળવણી કરાય તેવી શક્યતાઓ છે. જેથી નવા સત્રથી મેરીટમાં આવેલ વિદ્યાર્થી નિયત સ્કૂલમાં પ્રવેશ મેળવી શકે.