ભાવનગરમાં અમદાવાદ એસઓજીની તપાસના 10 દિવસ બાદ ઈડીની રેઈડ
- અમદાવાદમાં દાખલ થયેલા બોગસ બિલિંગના કેસમાં ઈડીની એન્ટ્રી
- ઓમ કન્સ્ટ્રક્શન કંપની, અર્હમ સ્ટીલ, સ્ટેશન રોડ અને સાંઢીયાવાડ વિસ્તારમાં એમ કુલ ચાર સ્થળોએ એજન્સીની તપાસ
- એજન્સીએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો, ઈડીની અમદાવાદ યુનિટ દ્વારા દિવસભર તપાસ ચર્ચાનો વિષય બની
ભાવનગર : સેન્ટ્રલ જીએસટી દ્વારા અમદાવાદમાં નોંધવામાં આવેલા બોગસ બિલિંગ કેસમાં અમદાવાદ એસઓજીની ટીમે શહેરના બે સ્થળોએ તપાસ કરી હતી તેના ૧૦ દિવસ બાદ આજે બોગસ બિલિંગના આ કેસમાં ઈડીની એન્ટ્રી થઈ છે. આજે વહેલી સવારથી શહેરના ચાર સ્થળોએ ઈડીની ટીમે રેઈડ પાડી દિવસભર તપાસ ચલાવી હતી. વાઘાવાડી રોડ પર આવેલી ઓમ કન્સ્ટ્રક્શન અને અર્હમ સ્ટીલની ઓફિસમાં ઈડીની અમદાવાદ યૂનિટની ટીમે તપાસ આદરી હતી જ્યારે શહેરના સ્ટેશન રોડ તથા સાંઢીયાવાડમાં પણ ટીમે તપાસ કરી હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદ ડીસીબી ક્રાઈમ પોલીસ મથકમાં ડાયરેક્ટર જનરલ ઓફ જીએસટી ઈન્ટેલિજન્સ (ડીજીજીઆઈ)ની ફરિયાદના આધારે ગત ૭મી ઓક્ટોબરના રોજ અમદાવાદ એસઓજીની ટીમે શહેરના વાઘાવાડી રોડ પર આવેલી ઓમ કન્સ્ટ્રક્શન અને અર્હમ સ્ટીલની ઓફિસમાં તપાસ કર્યાંના ૧૦ દિવસ બાદ હવે આ કેસમાં ઈડીની એન્ટ્રી થઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા જીએસટી છેતરપિંડીના કેસમાં નોંધાયેલા મની લોન્ડરિંગ કેસમાં આજે સ્થાનિક પોલીસને સાથે રાખીને શહેરના વાઘાવાડી રોડ પર આવેલી ઓમ કન્સ્ટ્રક્શન તથા અર્હમ સ્ટીલની ઓફિસમાં ઈડીની અમદાવાદ યુનિટની ટીમે તપાસ કરી હતી. બોગસ બિલિંગના કેસની તપાસમાં શહેરમાં ઈડીની એન્ટ્રીથી વેપારી આલમમાં ચર્ચાનો વિષય બન્યો હતો. શહેરમાં આ બે સ્થળો ઉપરાંત સ્ટેશન રોડ વિસ્તારમાં તથા સાંઢીયાવાડ વિસ્તારમાં પણ ટીમોએ તપાસ કરી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, બોગસ બિલિંગના તાર કોઈને કોઈ રીતે ભાવનગર સાથે જોડાયેલા છે અને છેલ્લા આશરે એક સપ્તાહ કરતા વધારે સમયથી શહેરમાં અન્ય જિલ્લામાંથી પોલીસની જુદી-જુદી એજન્સીઓ ગુપ્તરાહે તપાસ કરી રહી છે અને હાલ પણ ઈડીની ટીમે શહેરમાં જ રોકાણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે જોકે સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી.