યુનિવર્સિટીની પરીક્ષાઓ ચોક્કસ સમય મર્યાદામાં લેવાથી બીજા સત્રનો અભ્યાસક્રમ પૂર્ણ કરવામાં સરળ
ભાવનગર, તા. 06 નવેમ્બર 2019, બુધવાર
રાજ્યની અન્ય યુનિ.માં જ્યારે દિવાળી બાદ પણ પરીક્ષાઓ શરૂ રહી છે ત્યારે ભાવનગર યુનિ.માં હાલ પ્રથમ પરીક્ષાઓ પૂર્ણ થઇ અને આગામી 11 અને 13મીથી શિક્ષણ કાર્ય શરૂ થઇ જવા પામશે. જેથી વિદ્યાર્થીને કોર્ષ પૂર્ણ કરવામાં સાનુકુળતા મળી રહેશે.
એમ.કે. ભાવનગર યુનિવર્સિટીમાં એકેડેમીક ડાયરીમાં જાહેર કર્યા મુજબ પરીક્ષા કાર્યક્રમને વળગી રહેવાનું વલણ આવકારદાયક નિવડી રહ્યું છે. ચોક્કસ નાના-મોટા થોડા પ્રશ્નો અમુક વિદ્યાર્થીઓ માટે નડતરરૂપ હોઇ શકે છે પરંતુ એકંદરે પરીક્ષા નિશ્ચિત સમયે લેવાતા તેના ફળ પણ નિશ્ચિત સમય મર્યાદામાં મેળવી શકાય તેવું જણાઇ રહ્યું છે.
એકેડેમીક ડાયરી મુજબ સેમ.-1, 3 અને 5ની પ્રથમ સત્રની પરીક્ષા 15 ઓક્ટોબર જાહેર કરી અને તેને પાછી લઇ જવા કેટલીક રજૂઆતો પણ યુનિવર્સિટીમાં મળી હતી પરંતુ નિશ્ચિત સમયે પરીક્ષાઓ શરૂ થઇ અને દિવાળી પૂર્વે આ પરીક્ષાઓ શાંતિથી પૂર્ણ પણ થઇ. જો કે, જાણવા મળ્યા મુજબ હજુ કેટલીક યુનિવર્સિટીમાં દિવાળી બાદ પણ પરીક્ષાઓનું આયોજન થયું છે.
જ્યારે પરીક્ષા મોડી જતા પરિણામ પણ મોડા આવે અને અભ્યાસક્રમમાં પણ વિલંબ થાય જ્યારે ભાવનગર યુનિ.માં નિયત સમયે પરીક્ષાઓ પૂર્ણ થતા પરિણામ પણ વહેલાસર જાહેર કરી શકાશે અને આગામી 13મીથી કોલેજના વર્ગો અને તા.11મીથી પી.જી.ના વર્ગો શરૂ કરવામાં આવનાર છે. જેથી નવેમ્બરથી ફેબુ્રઆરી સુધી અભ્યાસ કાર્ય થઇ શકે અને કોર્ષ પૂર્ણ પણ કરી શકાય. આમ આયોજનબધ્ધ કામગીરી અને ચોક્કસ સમય મર્યાદામાં થયેલું કામ અનેક રીતે હિતકારી નિવડી શકે છે અને આગામી 16-03થી શરૂ થનારી સેમ.2, 4 અને 6ની વાર્ષિક પરીક્ષા પણ ચોક્કસ સમય મર્યાદામાં લેવાય અને પરિણામો પણ જાહેર થાય તો એડમીશન પ્રક્રિયા પણ સરળતાથી થઇ શકે.