For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભાવનગરમાં વહેલી સવારના માવઠાએ દિવસભર ઠંડક આપી

Updated: Apr 27th, 2024

ભાવનગરમાં વહેલી સવારના માવઠાએ દિવસભર ઠંડક આપી

- શહેરના જુદાં-જુદાં વિસ્તારમાં પરોઢિયે વરસાદ પડયો

- મહત્તમ તાપમાન 37.7 ડિગ્રી અને લઘુતમ તાપમાન 28 ડિગ્રી નોંધાયું

ભાવનગર : ઉનાળાની આકરી ગરમી વચ્ચે ભાવનગરમાં આજે વહેલી સવારે ઝરમર વરસાદ પડયો હતો. આજે દિવસ અને રાતના તાપમાનમાં વધારો થવા છતાં દિવસ દરમિયાન ગરમીમાં થોડીક રાહત રહી હતી. આજે મહત્તમ તાપમાનમાં ૦.૨ ડિગ્રી અને લઘુતમ તાપમાનમાં ૦.૪ ડિગ્રી જેટલો સામાન્ય વધારો નોંધાયો છે. પરંતુ વહેલી સવારના ઝરમર વરસાદે ગરમીમાં રાહત આપી હતી. જોકે ભાવનગર શહેર સિવાય જિલ્લામાં ક્યાંય વરસાદના અહેવાલ નથી.

હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના ઘણાં જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે પરંતુ આ આગાહી પહેલા જ આજે વહેલી સવારે ભાવનગરમાં ઝરમર વરસાદનું એક ઝાપટું આવતા વહેલી સવારે ચોમાસા જેવો માહોલ અનુભવાયો હતો. ભરઉનાળે શહેરના સિંધુનગર, કુંભારવાડા, ચિત્રા, ભરતનગર, વાઘાવાડી રોડ, યુનિવર્સિટી આસપાસના વિસ્તારોમાં ઝરમર વરસાદ પડયો હતો. વહેલી સવારના માવઠાના કારણે દિવસ દરમિયાન ગરમીમાં રાહત મળી હતી. ગત રોજની સરખામણીએ આજે મહત્તમ તાપમાન ૦.૨ ડિગ્રી જેવા સામાન્ય વધારા સાથે ૩૭.૭ ડિગ્રી તથા લઘુતમ તાપમાન ૦.૪ ડિગ્રીના વધારા સાથે ૨૮ ડિગ્રી નોંધાયું હતું. આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ ૪૬ ટકા હતું જે બપોર સુધીમાં ઘટી ૨૯ ટકા રહ્યું હતું. તેમજ આજે પવનની ગતિ ૧૨ કિમી પ્રતિકલાકની રહી હતી. વહેલી સવારના માવઠાને કારણે શહેરીજનોને આજે ગરમી આકરી નહોતી લાગી. ભાવનગરમાં ગઈકાલે મહત્તમ તાપમાન ૩૭.૫ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૭.૬ ડિગ્રી નોંધાયું હતું. ભાવનગર શહેર સિવાય જિલ્લામાં ક્યાંય વરસાદના અહેવાલ નથી પરંતુ ઘોઘા તેમજ ભાવનગરની આજુબાજુના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. વાતાવરણમાં અચાનક આવેલા આ ફેરફારથી આગામી દિવસોમાં ભાવનગરના તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે તેમજ આગામી સાત દિવસ સુધી વાદળછાયું વાતાવરણ પણ રહેશે. કમોસમી વરસાદથી ખેડૂતોના પાકોને નુકસાન થવાની વકી રહે છે પરંતુ આજે ભાવનગરના ગ્રામ્યપંથકોમાં કમોસમી વરસાદ નહી પડવાથી ખેડૂતોને મોટી રાહત મળી છે.

Gujarat