નિરમા કંપની સાથે ડમ્પર ચાલકે કોલ મટરિયલમાં ભેળસેળ કરી છેતરપિંડી આચરી
- કંપનીના સિક્યુરિટી સુપરવાઈઝરે ટ્રક ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી
- કંપની સાથે 2.42 લાખની નુકસાની કરી કોલ મટીરીયલ અન્ય જગ્યાએ ઉતારી વિશ્વાસઘાત કર્યો
આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર વરતેજના નારી ચોકડી પાસે આવેલી નિરમા હાઉસિંગ કોલોની ખાતે રહેતા અને નિર્મા કંપનીમાં સિક્યુરિટી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા જીગ્નેશકુમાર આત્મારામભાઈ ગોંડલીયાએ વેળાવદર ભાલ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે જીગ્નેશકુમારની નિરમા કંપનીએ ભુમી કુલ કોરપોરેશન વરતેજને સુરત હજીરા અદાણી પોર્ટ ખાતે થી નિરમા કંપની કાળાતળાવ સુધી કોલ મટીરીયલ પહોચાડવાનુ કામ આપેલ હોય,જે ટ્રાન્સપોર્ટ કંપનીએ સુરત હજીરા ખાતેથી નિરમા કંપની સુધી ડમ્પર નંબર જીજે ૦૩ બીવાય ૫૮૫૫ના ડ્રાઇવર પ્રધાનસીંગ જગદીશસિંગ (રહે ઓદારા પોસ્ટ ખુટેલી તા બ્હારી જી સીધ્ધી રાજય મધ્યપ્રદેશ ) તેના હવાલા વાળા ઉપરોકત ડમ્પરમાં ઓસ્ટ્રેલીયન કોલ વજન ૩૦.૧૦૦ મેટ્રીક ટન જેની કિ.રૂ-૨,૬૯,૩૯૫ નો ભરી તારીખ-૨૫/૧૨/૨૦૨૩ ના રોજ રવાના કરેલ તેઓએ ગાડીમા ભરેલ અસલ ઓસ્ટ્રેલીયન કોલ વજન ૩૦,૧૦૦ મેટ્રીક ટન જેની કિ.રૂ-૨,૬૯,૩૯૫ નો કોઈ જગ્યાએ ઉતારી દઈ કોલની જગ્યાએ અન્ય ભેળસેળ વાળુ કાદવ, ઘાસ, લાકડા પ્લાસ્ટીકના ટુકડા તેમજ કપડા જેવો પદાર્થ ભરી કંપનીમા આવી કંપની સાથે છેતરપીંડી અને વિશ્વાશઘાત કરી કંપનીને રૂપીયા-૨,૪૨,૦૩૩ નુ આર્થીક નુકશાન કર્યું હોવાની ફરિયાદ સિક્યુરિટી સુપરવાઇઝર જીગ્નેશભાઈએ વેળાવદર ભાલ પોલીસ મથકમાં પ્રધાનસિંગ જગદીશસિંગ વિરુદ્ધ આઇપીસી ૪૦૬,૪૨૦,૪૨૭ મુજબ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.