શહેરમાં બે દિવસ વીજ ધાંધીયાના કારણે પાણી વિતરણમાં મૂશ્કેલી
- ઉતરાયણના તહેવારોમાં જ વીજળી અને પાણીમાં ઠાગાઠૈયા
- વીજળી ગુલ થતા ફિલ્ટર પ્લાન્ટના પમ્પીંગ સ્ટેશન બંધ, પુરતુ પાણી નહી મળતા લોકોમાં રોષ
શહેરમાં ગઈકાલે રવિવારે ઉતરાયણ પર્વમાં તેમજ આજે સોમવારે કેટલાક વિસ્તારોમાં વારંવાર વીજળી ગુલ થઈ હતી, જેના કારણે ફિલ્ટર પ્લાન્ટ વિસ્તારમાં પણ લાઈટ ગઈ હતી. ફિલ્ટર પ્લાન્ટ વિસ્તારમાં લાઈટ જતા પમ્પીંગ સ્ટેશન બંધ થઈ ગયા હતા, જેના કારણે શહેરના સુભાષનગર, કાળીયાબીડ, ભરતનગર, ગાયત્રીનગર સહિતના વિસ્તારોમાં પાણી પુરવઠો પુરતો મળી શકયો ન હતો તેથી મહિલા સહિતના લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. વીજળી અને પાણી બાબતે લોકોએ તંત્રને ફરિયાદ પણ કરી હતી. પાણીના પ્રશ્ને મહાપાલિકાના વોટર વર્કસના અધિકારીને પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે, બે દિવસ તરસમીયા સહિતના ફિલ્ટર પ્લાન્ટ પર લાઈટ આવ-જા કરતી હતી તેથી પમ્પીંગ સ્ટેશન બંધ થતા લોકોને પાણી આપવામાં મૂશ્કેલી પડી હતી. વીજ પ્રશ્ન હલ થતા રાબેતા મુજબ પાણી વિતરણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ઉતરાયણના દિવસોમાં વીજળી વારંવાર ગુલ થતી હોય છે, જેના કારણે પાણી વિતરણ ઠપ્પ થઈ જતુ હોય છે. વીજળી અને પાણી પ્રશ્ને તત્કાલ યોગ્ય પગલા લેવા લોકોએ માંગણી ઉઠાવી છે. આગામી દિવસોમાં વીજળી અને પાણી પ્રશ્ન હલ થશે કે નહી ? તેની રાહ જોવી જ રહી.