ભાવનગરમાં કેરી નદીએ આફત નોતરી, વરસાદ વિના જ ગામમાં કેડસમા પાણી ભરાતા લોકોને હાલાકી
- નદીના વહેણમાં ઉગી નીકળેલા ઝાડી-ઝાંખરા દૂર કરવા માંગ
- માઢિયા, સવાઈનગર, સનેસ સહિતના ગામોમાં કેટલાક દિવસો સુધી પાણી ભરાઈ રહેતું હોવાનો વર્ષોથી પ્રશ્ન, લોકોના આરોગ્ય સાથે ચેડા
ભાવનગર તાલુકાના સવાઈનગર, માઢિયા, દેવળિયા, સનેસ તેમજ મેવાસા, મોણપર સહિતના ગામોમાં કેરી નદીનું પાણી ઘૂસી જવાના કારણે ગામ બેટમાં ફેરવાઈ જતું હોવાની કાયમી સમસ્યા રહે છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં નદીનું પાણી દરિયામાં જવાના બદલે ગામોમાં ઘૂસી જતું હોવાથી આ સમસ્યા વધુ ચિંતાજનક બની રહે છે. ગામોમાં પાણી ભરાઈ જવાથી બાળકો સ્કૂલે જઈ શકતા નથી. પીવાની પણ સમસ્યા સર્જાઈ છે. આ ઉપરાંત રોગચાળાની ભીતિ વચ્ચે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. કેરી નદીના વહેણને અવરોધતા પાળાઓ દૂર કરવા તેમજ ઝાડી-ઝાંખરા, બાવળની સાફ-સફાઈ કરવા અને વર્ષો જૂની સમસ્યાનો કાયમી નિકાલ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી છે.