For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સિહોર નગરપાલિકાની લાપરવાહીથી અનેક વિસ્તારોમાં અંધારપટ્ટ

Updated: Apr 27th, 2024

સિહોર નગરપાલિકાની લાપરવાહીથી અનેક વિસ્તારોમાં અંધારપટ્ટ

- પાલિકા પાસે સ્ટ્રીટલાઈટના સામાનનો અભાવ

- ગીચ રહેણાંકીય વિસ્તારોની સ્ટ્રીટલાઈટ બંધ રહેતા તસ્કરોને મળી રહેલુ મોકળુ મેદાન

સિહોર : સિહોર નગરપાલિકામાં વહિવટદારનું શાસન આવતા જનતાને અનેક પાયાના પ્રશ્નોની હાડમારી વેઠવી પડે છે. શહેરમાં રાત પડતા કેટલાક વિસ્તારોમાં તો રીતસરના અંધારાના ઓળા ઉતરી આવતા હોય અંધારપટ્ટના કારણે સ્થાનિક રહિશોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવાનો વખત આવ્યો છે. તંત્રની લાપરવાહી નાગરીકોમાં ટીકાને પાત્ર બની રહેલ છે.

છોટે કાશી તરીકે વિશ્વ વિખ્યાત બનેલા સિહોર શહેરની જનતા પ્રાથમિક સુવિધાઓથી વંચિત જણાતા સ્થાનિક રહીશો જ નહિ બલકે બહારગામથી આવતા દર્શનાર્થીઓ, યાત્રિકો તેમજ પરપ્રાંતિય લોકોમાં નગરપાલિકાની કામગીરી સામે પ્રબળ કચવાટ વ્યાપેલ છે. જુના સિહોર શહેરના કેટલાક ગીચ રહેણાંકીય વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટો ઘણા સમયથી બંધ થઈ જવા પામેલ છે. જે અંગે નગરપાલિકામાં રહિશો જયારે ફરીયાદ કરવા જાય છે ત્યારે સિહોર નગરપાલિકામાંથી એવો જવાબ આપવામાં આવે છે કે, સ્ટ્રીટલાઈટનો માલ સામાન હાજર સ્ટોકમાં નથી. જેથી સ્ટ્રીટલાઈટો બંધ રહે છે. આવા જવાબો મળતા હોય રહિશોમાં તંત્રની કાર્યપધ્ધતિ સામે રોષ વ્યાપેલ છે. એક બાજુ કાળઝાળ ઉનાળાની સીઝન શરૂ હોય દિવસ દરમિયાન ખુબ જ ધોમધખતી ગરમી પડતી હોય સરીસૃપ અને જીવજંતુઓ બહાર નિકળતા હોય ડંખ મારવાની ભીતિ સેવાઈ રહી છે. અનેક વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટ બંધ રહેતી હોય જેના કારણે ઉનાળાના દિવસોમાં રાત્રીના અને વહેલી સવારના વોકીંગ કરવા નિકળતા લોકોને તેમજ ખાસ કરીને વાહનચાલકોને અંધારપટ્ટના કારણે પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે.એટલુ જ નહિ અંધારપટ્ટના કારણે નીશાચરોને મોકળુ મેદાન મળી રહેલ છે. સિહોર નગરપાલિકાનું વહિવટીતંત્ર વહેલી તકે સ્ટ્રીટલાઈટનો માલસામાનનો જરૂરી સ્ટોક વસાવી શહેરમાં પુન અજવાળુ કરે તેવી શહેરીજનોમાં પ્રબળ માંગ ઉઠવા પામેલ છે.

Gujarat