Get The App

ડ્રગ પેડલર સુધા વધુ એક વખત મેફેડ્રોન સાથે ઝડપાઈ

Updated: Mar 12th, 2024


Google NewsGoogle News
ડ્રગ પેડલર સુધા વધુ એક વખત મેફેડ્રોન સાથે ઝડપાઈ 1 - image


રાજકોટની નામચીન અને વિવાદાસ્પદ 

સુધા તેના પુત્ર સહિત કુલ ચાર આરોપીની ધરપકડ, સુધા અગાઉ ૩ વખત ડ્રગ્સ સાથે પકડાઈ ચુકી છે

રાજકોટ: રાજકોટની નામચીન અને વિવાદાસ્પદ ડ્રગ્સ પેડલર સુધા સુનીલ ધામેલીયા અને તેના પુત્ર સહિત ચાર આરોપીઓને ગઈકાલે એસઓજીએ ૬.૪૬ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી લઈ તપાસ આગળ ધપાવી છે. સુધા આ અગાઉ ત્રણ વખત ડ્રગસના કેસમાં પકડાઈ ચુકી છે. આમ છતાં તેણે ડ્રગ્સનો વેપલો ચાલુ જ રાખ્યો છે. 

એસઓજીનાં જમાદાર ફીરોઝભાઈ રાઠોડને મળેલી ચોક્કસ બાતમીનાં આધારે એસઓજીનાં સ્ટાફે બેડી ગામમાં રીક્ષામાંથી નીકળેલી સુધા (ઉ.વ.૪૦), તેના પુત્ર મયુર (ઉ.વ.૪૦, રહે, બન્ને રૈયાધાર ૧૨ માળીયા કવાટર), રીક્ષા ડ્રાયવર સચીન પ્રવિણ વોરા (ઉ.વ.૨૩, રહે, રૈયાધાર) અને ધર્મેશ પરેશ ડાભી (ઉ.વ.૨૪, રહે, રૈયાધાર)ને ૬.૪૬ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી લીધા હતાં. 

એસઓજીએ આરોપીઓ પાસેથી ૪ મોબાઈલ ફોન, સીએનજી રીક્ષા, રોકડા રૂા. ૬,૬૫૦ વગેરે મળી કુલ રૂા. ૧.૨૬ લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ કુવાડવા રોડ પોલીસ મથકમાં એનડીપીએસ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો. 

 મુખ્ય સુત્રધાર સુધા લાંબો ગુનાઈત ઈતિહાસ ધરાવે છે. તેના વિરૂધ્ધ ૨૦૧૯, ૨૦૨૧ અને ૨૦૨૨ની સાલમાં બી.ડીવીઝન અને કુવાડવા રોડ પોલીસ મથકમાં એનડીપીએસ હેઠળ કેસ નોંધાઈ ચુક્યા છે. આ ઉપરાંત હુમલો, જુગારધારા, પ્રોહીબીશન અને આપઘાતની ફરજ પાડવા સહિતનાં કુલ આઠ ગુના નોંધાયેલા છે. ૨૦૨૧ની સાલમાં તેની પાસા તળે પણ અટકાયત થઈ હતી. 

તેના પુત્ર મયુર સામે પણ ગાંધીગ્રામ-૨ પોલીસ મથકમાં ૨૦૨૨ની સાલમાં એનડીપીએસ હેઠળ ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત તેના વિરૂધ્ધ હુમલો અને આપઘાતની ફરજ પાડવા સહિતનાં કુલ ચાર ગુના નોંધાયેલા છે. રીક્ષા ચાલક સચિન વિરૂધ્ધ પણ મારામારીનો જયારે ચોથા આરોપી ધર્મેશ વિરૂધ્ધ મારામારી, લૂંટ, પ્રોહિબીશન સહિત ચાર ગુના રાજકોટ અને લોધીકા પોલીસમાં નોંધાઈ ચુક્યા છે. 

સુત્રધાર સુધાએ હાલમાં કેટલા સમયથી ડ્રગ્સનો વેપલો શરૂ કર્યો છે, કોની પાસેથી ડ્રગ્સ લઈ આવતી હતી અને ગઈકાલે કોને ડ્રગ્સ સપ્લાય કરવા જતી હતી તે સહિતનાં મુદ્દે હવે વધુ તપાસ કુવાડવા રોડ પોલીસ કરશે. 


Google NewsGoogle News