Get The App

ખૂંખાર કેદીઓએ મોટિવેશનલ સ્પીચ આપીને દૂહા-છંદ-ભજન પણ લલકાર્યા

Updated: Nov 1st, 2021


Google NewsGoogle News
ખૂંખાર કેદીઓએ મોટિવેશનલ સ્પીચ આપીને દૂહા-છંદ-ભજન પણ લલકાર્યા 1 - image


- રાજકોટ જેલમાં 'આઝાદી કા અમૃત'મહોત્સવ

- પરિવાર સાથે દિવાળી મનાવવા આજે 48 કેદીને 14 દી'નાં પેરોલ પર છોડાશે : 24ને કાયમી આઝાદી માટે દરખાસ્ત

રાજકોટ : રાજકોટની સેન્ટ્રલ જેલમાં આજે કાચા કામના અને સજા પામેલા કેટલાંક કેદીઓએ અદ્ભૂત સાંસ્કૃતિક કાર્યક્રમ પેશ કરીને ખૂંખાર કેદીના મહોરા પાછળ મૃદુ ચહેરા પણ છૂપાયેલા હોઈ શકે છે એવી પ્રતીતિ કરાવી હતી. દિવાળી તહેવાર નિમિત્તે રાજકોટ સેન્ટ્રલ જેલમાંથી ૪૮ કેદીઓને ૧૪ દિવસના પેરોલ પર છોડવાનું આજે તંત્રએ જાહેર કર્યું હતું.

ગંભીર ગુનામાં સંડોવણી ન હોય અને જેલમાં જેમનું વર્તન સારું હોય તેવા બંદીવાનોને દિપાવલી તહેવાર તે પોતાના પરિવાર સાથે ઘરે મનાવી શકે એ માટે પેરોલમુક્ત કરાતા હોય છે. આવા ૪૮ કેદીઓને આવતીકાલ મંગળવારે વચગાળાની રજાઓ પર છોડાશે અને કુટુંબીઓ તેમને લેવા આવશે ત્યારે જેલનાં દ્વારે ભાવનાસભર દ્રશ્યો રચાશે.

આજે જેલ સલાહકાર સમિતિની બેઠક જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુનાં અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં અન્ય ૨૪ કેદીને કાયમ માટે રીલિઝ કરવાની ભલામણ ગૃહ વિભાગ તરફ મોકલવાનો નિર્ણય પણ લેવાયો હતો તેમ જણાવીને જેલ સુપ્રિન્ટેન્ડન્ટ બન્નો જોશીએ ઉમેર્યું કે લૂંટ ધાડ કે અન્ય ગંભીર ગુનામાં સામેલગીરી સિવાયના, સદવર્તન ધરાવતા, બે કે વધુ વખત જેની સામે ગુના ન નોંધાયા હોય તેવા, લાંબા ગાળા સુધી ફરાર ન રહ્યા હોય તેવા અને જેમણે ૧૪ વર્ષની સજા પૂરી કરી નાખી હોય તેવા ૨૪ કેદીને રીલીઝ કરવા વડી કચેરીને દરખાસ્ત મોકલાશે અને સરકારની મંજૂરી મળ્યે તેમને છોડી મૂકાશે.ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્શ જ્જ ઉત્કર્ષ દેશાઈ સહિતનાં સમિતિનાં સભ્યોએ જેલની વિઝિટ પણ કરીને કેદીઓના પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ કર્યું હતું.

દરમિયાન, 'આઝાદી કા અમૃત મહોત્સવ' ઉજવણી અંતર્ગત આજે જેલમાં પણ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કેટલાંક કેદીઓએ પોતાની રીતે દૂહા - છંદ - ભજન લલકાર્યા હતાં, કોઈએ મિમીક્રી કરી હતી, તો કોઈકે વળી મોટીવેશનલ સ્પીચ પણ આપી હતી.


Google NewsGoogle News