Get The App

નાટકિય કામગીરી : ફાયર એનઓસી ન હોવાથી શહેરના રર ફટાકડા સ્ટોલ ધારકોને નોટિસ

Updated: Oct 31st, 2024


Google NewsGoogle News
નાટકિય કામગીરી : ફાયર એનઓસી ન હોવાથી શહેરના રર ફટાકડા સ્ટોલ ધારકોને નોટિસ 1 - image


- જવાહર મેદાન સહિત 60 સ્ટોલને ફાયર એનઓસી અપાયા, 10 ની અરજી પરત મોકલાઈ

- ફટાકડા સ્ટોલધારકોએ ફાયર એનઓસી લેવાનો નિયમ માત્ર કાગળ પરઃ ફાયરે નોટિસ આપી સંતોષ માન્યો, સ્ટોલ બંધ ન કરાવ્યા 

ભાવનગર : રાજકોટની અગ્નિકાંડની ઘટના હજુ તાજી જ છે તેવામાં આગ, અક્સ્માતના બનાવો અટકાવવા માટે તંત્રએ ફટાકડાનું વેચાણ કરનાર તમામ નાના મોટા વેપારીઓઓથી લઈ સ્ટોલધારકો માટે ફાયર એનઓસી ફરજિયાત બનાવ્યું છે. પરંતુ, દિવાળીની પૂર્વસંધ્યાએ મહાપાલિકાના ફાયર વિભાગે શહેરમાં કરેલી આકસ્મિક તપાસમાં  ફટાકડા વેચતાં ૨૨ સ્ટોલધારકોએ ફાયર એનઓસી લીધું જન હોવાનું જણાતાં તમામને નોટિસ આપી ખુલાસો પુછવામાં આવ્યો હતો. જો કે, ફાયર વિભાગને આવા સ્ટોલ બંધ કરાવવાની સત્તા હોવા છતાં તેમ ન કરી નોટિસ આપી સંતોેષ માનતા તંત્રની આ કામગીરી નાટક સમાન રહી હતી. 

દિવાળી પર્વને લઈ ફટાકડા વેચાણ માટે સ્ટોલ શરૂ કરવા માટે ફાયર એનઓસીને તંત્રએ ફરજિયાત બનાવ્યું છે અને ફાયર એનઓસી હોય તે ફટાકડા ધારકોને જ મંજૂરી આપવા માટે જિલ્લા કલેક્ટરે આદેશ કર્યો છે તેથી ભાવનગર મહાપાલિકાના ફાયર વિભાગમાં જે લોકોએ અરજી કરી હતી અને તપાસ બાદ અરજી યોગ્ય તેઓને ફાયર એનઓસી આપવામાં આવ્યુ હતું. શહેરમાં જવાહર મેદાન સહિત કુલ ૬૦ ફટાકડા સ્ટોલ ધારકોને ફાયર એનઓસી આપવામાં આવ્યુ છે, જયારે ૧૦ અરજીમાં અધુરી વિગત હોવાથી અરજી પરત કરવામાં આવી હતી તેમ આજે ફાયર વિભાગના અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું. કેટલાક ફટાકડા સ્ટોલ ધારકોએ ફાયર એનઓસી લીધુ જ નથી તેથી મહાપાલિકાના ફાયર વિભાગના સ્ટાફે ચેકીંગ કરી ફાયર એનઓસી ન હોય તેવા રર ફટાકડા સ્ટોલ ધારકોને નોટિસ ફટકારી હતી અને ખુલાસો પૂછયો છે. આવતીકાલે ગુરૂવારે દિવાળી પર્વ છે અને ફાયર એનઓસી ન હોય તેવા ફટાકડા સ્ટોલ બંધ કરાવવાની સત્તા ફાયર વિભાગને છે પરંતુ ફાયર વિભાગે ફટાકડા સ્ટોલ બંધ કરાવ્યા નથી અને માત્ર નોટિસ આપી સંતોષ માન્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, દિવાળીનાં તહેવારોને અનુલક્ષીને શહેરના જુદા જુદા વિસ્તારોમાં કાયમી હોલ સેલ ફટાકડાનાં સ્ટોલ ગોડાઉન તથા રીટેલ ફટાકડાના સ્ટોલ વેપારીઓ દ્વારા ઉભા કરવામાં આવ્યા છે, આવા ફટાકડા સ્ટોલ ગોડાઉનમાં જોખમી અને જ્વલનસીલ વસ્તુઓનુ વેચાણ થતું હોય છે, જો આવા સ્ટોલમાં પુરતી તકેદારી ન રાખવામાં આવે તો આગ અકસ્માત ના બનાવો બને છે અને તેમાં જાહેર જનતાને જાનમાલનું નુકશાન થાય છે, જેથી તમામ પ્રકારના ફટાકડાના વેચાણ ફરતા સ્ટોલ ધારકોએ આગ અકસ્માતનાં બનાવો ન બને તે માટે તકેદારીનાં ભાગરૂપે ફાયર પ્રિવેન્શન અને ફાયર પ્રોટેક્શનનાં સાધનો લગાડી ફાયર વિભાગનું હંગામી એનઓસી મેળવવું જરૂરી છે. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કોઈપણ જગ્યા ઉપર ઉભા કરવામાં આવેલ કાયમી-હંગામી, હોલસેલ કે રીટેલ ફટાકડાના સ્ટોલ ધારકોએ સ્ટોલ શરૂ કરતા પહેલા ફાયર એનઓસી મેળવવાનું રહેતુ હોય છે. અન્યથા ધ ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફટી મેઝર્સ એક્ટ ૨૦૧૩ અનવ્યે નિયમોનુસારની કાર્યવાહી કરી આવા સ્ટોલને બંધ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે. ફાયર વિભાગની તપાસ આજે પણ શરૂ હતી ત્યારે સ્ટોલ બંધ કરાવવાની કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં ? તેની રાહ જોવી જ રહી.


Google NewsGoogle News