બેવડી ઋતુનો માર : 10 દી' બાદ મહત્તમ તા૫માન 31 ડિગ્રીને પાર
રાત્રે ઠંડીના ચમકારા વચ્ચે બીજા દિવસે ઠંડીનો પારો 17 ડિગ્રીની નીચે
૪૮ કલાકમાં દિવસનું તાપમાન ૧.૬ ડિગ્રી ઉંચકાયું, લઘુતમ તાપમાનમાં સામાન્ય વધારો
શહેરમાં ઠંડીની આગેકૂત અને પીછેહઠનો સિલસિલો આજે પણ જોવા મળ્યો હતો. ગઈકાલે ગુરૂવારે મોડીસાંજ બાદ ધીમા પગલે ઠંડી વધી હતી. મોડી રાત્રિના સમયે ઠારના થયેલા અનુભવના કારણે લોકોએ ફરજીયાત ગરમ વસ્ત્રો ઓઢવા-પહેરવા પડયા હતા. જેના પગલે ઠંડીનો પારો સતત બીજા દિવસે ૧૭ ડિગ્રીથી નીચે રહ્યો હતો. પાછલા ૨૪ કલાકમાં શહેરના લઘુતમ તાપમાનમાં ૦.૨ ડિગ્રીનો વધારા સાથે પારો ૧૬.૪ ડિ.સે.એ સ્થિર થયો હતો. રાતની તુલનામાં દિવસે ઠંડી સાવ ગાયબ જ થઈ જતી હોય તેમ લાગી રહ્યું છે. ગઈકાલે મહત્તમ તાપમાન ૦.૬ ડિગ્રી ઉંચકાયા બાદ આજે શુક્રવારે પણ તાપમાન એક ડિગ્રી ઉપર સરકીને ૩૧.૬ ડિગ્રીએ પહોંચી ગયું હતું. એટલે કે, છેલ્લા ૪૮ કલાકમાં દિવસનું તાપમાન ૧.૬ ડિગ્રી ઉંચકાયું હતું. નવેમ્બરના અંતિમ ચરણમાં રાત્રે અને દિવસે ઠંડીમાં થઈ રહેલા વધારા-ઘટાડાના પગલે શરદી-ઉધરસ, તાવના દર્દીઓમાં ઉછાળો નોંધાયો છે. વધુમાં ગઈકાલની જેમ આજે પણ પવનની ઝડપ ૦૮ કિ.મી. પ્રતિકલાકની તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૦ ટકા રહ્યું હતું.
ચાર દિવસમાં મહત્તમ તાપમાન વધ્યું, લઘુતમ તાપમાન ઘટયું
નવેમ્બરના અંતિમ સપ્તાહમાં ઠંડીની વધ-ઘટના કારણે તાપમાનમાં પણ વધારો-ઘટાડો જોવા મળી રહ્યો છે. પાછલા ચાર દિવસની વાત કરીએ તો ૨૫મીએ શહેરનું મહત્તમ તાપમાન ૨૯.૭, ૨૬મીએ ૩૦.૦, ૨૭મીએ ૩૦.૬ અને ૨૮મીએ ૩૧.૬ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન ૨૫મીએ ૧૮.૧, ૨૬મીએ ૧૭.૨, ૨૭મીએ ૧૬.૨ અને ૨૮મીએ ૧૬.૪ ડિગ્રી રહ્યું હોવાનું હવામાન વિભાગ પાસેથી જાણવા મળ્યું છે.