શેરમાર્કેટમાં રોકાણની લાલચમાં તબીબે 50.89 લાખ ગુમાવ્યા
- ઓછા ભાવે સ્ટોક અને વધુ નફાની એમ.ઓ.થી ડોક્ટરને ફસાવ્યા
- થોડી રકમ વિડ્રોઅલ થતાં વિશ્વાસમાં આવેલા ડોક્ટરે સ્ટોક ખરીદવા ભેજાબાજોના એકાઉન્ટમાં લાખો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યું
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના વિદ્યાનગર, બહેરા મુંગા સ્કૂલ સામે પ્લોટ નં.૨૦-ડીમાં રહેતા અને કાળાનાળામાં વાત્સલ્ય ચિલ્ડ્રન હોસ્પિટલ ધરાવતા બાળકોના તબીબ રાજીવભાઈ મનહરલાલ ધંધુકિયા (ઉ.વ.૪૮)ને ગત તા.૨૦-૬ના રોજ સોશિયલ મીડિયા પર શેરબજારને લગતી જાહેરાત જોવા મળી હતી. જેથી તેમણે લીંક મારફત વોટ્સએપ ગુ્રપ જોઈન કર્યા બાદ ગુ્રપમાં સ્ટોક માર્કેટને લગતી માહિતી અને ટ્રેડીંગની ટિપ્સ આવતી હોય, જેથી શેરબજારમાં રોકાણ કરવાની લાલચમાં તબીબ આર.એમ.ધંધુકિયાએ ગુ્રપમાં આવેલી એજેએસએમ૭.પ્રો નામની એપ્લીકેશન ડાઉનલોડ કરી એકાઉન્ટ બનાવ્યું હતું. તેમજ વોટ્સએપ ગુ્રપમાં ઈન્સ્ટિટયુશનલ ટ્રેડીંગ અને બ્લોક ટ્રેડીંગ કરી ઓછા ભાવે સ્ટોક મળે અને સારો નફો થાય છે. તેમાં આઈપીઓ ભરવાથી આઈપીઓ લાગે અને નફો સારો થશે તેવું જણાવાયું હતું. જેથી તબીબે એજેએસએમ૭ નામની એપ્લીકેશનમાંથી સ્ટોક ખરીદવાનું અને તેના રૂપિયા એપ્લિકેશનમાં જણાવેલા બેન્ક એકાઉન્ટમાં મોકલવાનું શરૂ કર્યું હતું. ભેજાબાજોએ તબીબને વિશ્વાસમાં લેવા શરૂઆતમાં થોડી રકમનું વિડ્રો આપ્યું હતું. જેથી તબીબે તા.૨૧-૬થી તા.૧૨-૭ના સમયગાળા દરમિયાન કુલ રૂા.૫૦,૮૯,૦૦૦નું અલગ-અલગ એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કર્યું હતું. ત્યારબાદ રૂપિયા ઉપાડવા માટે તેમણે રિક્વેસ્ટ કરતા સાઈબર ફ્રોડોએ અસલ ચહેરો દેખાડયો હતો અને રકમ વિડ્રો કરવા માટે ટેક્સ-બીજા ચાર્જીસના વધુ રૂપિયા ભરવા પડશે તેમ કહીં તબીબ સાથે રૂા.૫૦.૫૯ લાખની વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી. જે બનાવ અંગે ડો.આર.એમ.ધંધુકિયાએ આજે મંગળવારે ભાવનગર સાઈબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બીએનએસની કલમ ૩૧૬ (ર), ૩૧૮ (૪), ૩૧૯ (ર) અને આઈ.ટી. એક્ટની કલમ ૬૬-ડી મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ પીઆઈ કે.જી. ચાવડાએ હાથ ધરી છે.
ઉલ્લેખનિય છે કે, ઓછા ભાવે સ્ટોક અને વધુ નફાની લાલચ આપવાની મોડસ ઓપરેન્ડીથી સાઈબર ગઠિયાઓએ ભાવનગરના શિક્ષક બાદ હવે ડોક્ટરને ફસાવી લાખો રૂપિયા ચાઉં કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.