ભાવનગરની બજારોમાં ધૂમ ઘરાકી નીકળતા વેપારીઓની દિવાળી સુધરી
- બજારોમાં દિવાળીની રોનક જોવા ભારે ઘસારો
- બોનસ અને એડવાન્સ પગારના ચૂકવણા થઈ જતા મોલ સહિતના સ્થળોએ જોવા મળી રહેલો ખરીદીનો માહોલ
રોશનીના મહાપર્વ દિવાળીનો તહેવાર ઢુંકડો આવી પહોંચતા ભાવનગર શહેર અને જિલ્લાના વિવિધ તાલુકા મથકોમાં સ્થાનિક તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી છુટક ખરીદી કરવા માટે આવતા મોટા ભાગની બજારો ગ્રાહકોની અવરજવરથી અવિરતપણે ધમધમવા લાગી છે. તેથી શહેરના હાર્દસમા પીરછલ્લા શેરી, વોરાબજાર, એમ.જી.રોડ, નાણાવટી બજાર, દિવાનપરા રોડ, ગોળબજાર, હેરીસ રોડ, આંબાચોક ઉપરાંત કાળાનાળાથી લઈને વાઘાવાડી રોડ પર કાળીયાબીડમાં પાણીની ટાંકી સુધીના વ્યાપારી વિસ્તારોમાં સ્થાનિક તેમજ બહારગામથી ખરીદી અર્થે આવતા ગ્રાહકો દ્વારા બપોરથી મોડી સાંજ સુધી ધૂમ ખરીદી થઈ રહી છે. પ્રારંભે આવા પરિવારો તેમના વાહનો કયા પાર્ક કરવા તેની દ્વિધામાં રહે છે. એમાંય શહેરની પીરછલ્લા શેરી અને વોરાબજારમાં તો દરરોજ બપોરથી મોડી સાંજ સુધી માનવ મહેરામણ ઉમટી પડતો હોય છે. જેથી બજારોમાં ગ્રાહકોની ભારે ચહલ પહલ જોવા મળી રહી છે.સવારના અરસામાં નજીકના ગામડાઓમાંથી અને બપોરથી મોડી સાંજ સુધી મોટા ભાગે શહેરી વિસ્તારોના ગ્રાહકો મહત્તમ સંખ્યામાં દ્રશ્યમાન થાય છે. જેમ જેમ દિવાળી નજીક આવી રહી છે. તેમ તેમ ખરીદી માટે ઉપરોકત બજારોમાં ઘસારો વધતો જશે તેમ જણાઈ રહેલ છે. પ્રારંભિક તબકકામાં ગ્રાહકો દ્વારા રેડીમેડ કપડા, કોસ્મેટીક, ફુટવેર, ચિલ્ડ્રન વેર, ગૃહ સુશોભન, શણગાર તેમજ ઈલેકટ્રોનિકસ ઉપકરણો,વાહન, મનોરંજનના સાધનો, મોબાઈલ, રંગોળી, ફટાકડા, મુખવાસ તેમજ ચિરોડી સહિતની ચીજવસ્તુઓની ધૂમ ખરીદી થઈ રહી છે. શહેરની બજારોમાં જ નહી પણ મોટા ભાગના બ્રાન્ડેડ કંપનીઓના શોરૂમ, મોલમાં પણ આખો દિવસ ગ્રાહકોની સારી એવી ભીડ જોવા મળી રહેલ છે. ગોહિલવાડના હોલસેલ અને રિટેઈલ માર્કેટમાં ઘરાકી જણાતા વેપારીવર્ગમાં ભારે ઉત્સાહ વધ્યો છે. શહેર અને જિલ્લાના તાલુકા મથકોમાં ખાનગી નોકરીયાતોને બોનસ અને એડવાન્સ પગારના ચૂકવણા થઈ રહ્યા હોય નાણા છુટા થતાની સાથે જ તેઓ ખરીદી કરવા અર્થે બજારોમાં ઉમટી રહ્યા છે. દરમિયાન ગત વર્ષોની તુલનામાં આ વર્ષે ગ્રામ્ય વિસ્તારોમાં મગફળી અને કપાસના પાકના ઉંચા અને પોષણક્ષમ ભાવ મળી રહ્યા હોય ખેડૂતો, ભાગીયાઓ અને શ્રમિકો દ્વારા સ્થાનિક બજારોમાંથી ધૂમ ખરીદી થઈ રહી છે.
મોર્ડન ગૃહિણીઓમાં ઓનલાઈન પેમેન્ટનો ક્રેઝ વધ્યો
દિવાળીના તહેવારને લઈને શોરૂમ, મોલ અને બજારમાં ખરીદી કરવા જતી મોર્ડન ગૃહિણીઓ સહિતના મોટા ભાગના પરિવારજનો દ્વારા મોટી રકમની ખરીદી કરતી વેળા રોકડની ચૂકવણી કરવાના બદલે જે તે વેપારીઓ પાસે કયુ આર કોડ લઈને મોબાઈલ મારફત ઓનલાઈન પેમેન્ટ કરવાનો આગ્રહ કરાઈ રહ્યો છે. તેમાં ય યુવાનો દ્વારા તો હવે નાની મોટી ખરીદીની સાથે નાસ્તાપાણી, પેટ્રોલપંપ, ખાણી-પીણી અને ઠંડા પીણાના એકમોને પણ હવે તો કયુઆર કોડ મારફત ઓનલાઈન પેમેન્ટના ચૂકવણા કરવાનો ક્રેઝ દિન પ્રતિદિન વધી રહ્યો છે.