મોરબી અને માળિયાનાં 13 ગામોમાં કાચાં મકાનોમાં રહેતા લોકોનું સ્થળાંતર
ભયાનક વાવાઝોડાંની શક્યતાથી વહિવટી તંત્ર દ્વારા સાવચેતીની કવાયત
રવાપર ગામે ભારે પવનથી હોર્ડિંગ ધ્વસ્ત થતાં દીવાલ તૂટી, સદ્નસીબે જાનહાની ટળતા હાશકારો, સ્થળાંતરિતો માટે 19 આશ્રયસ્થાનો તૈયાર
મોરબી: બીપરજોય વાવાઝોડાને પગલે સોમવારથી તંત્ર એલર્ટ મોડમાં છે અને ૨૪ કલાક વિવિધ કામગીરી કરી તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરિયાકાંઠે રહેતા લોકોના સ્થળાંતર સહિતની કામગીરી કરવામાં આવી રહી છે તો વિવિધ સંસ્થાઓ રાહત કામગીરી માટે તંત્ર સાથે ખભે ખભો મિલાવી આપદાની સ્થિતિમાં માનવતા મહેકાવી રહી છે.
બિપરજોય વાવાઝોડા સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટરજી. ટી. પંડયાએ જણાવ્યું હતું કે, મોરબીના ૬ અને માળિયાના ૭ ગામો કે દરિયા કિનારાની નજીક આવેલા છે, ત્યાં કાચા મકાનોમાં રહેતા લોકોને સ્થળાંતરીત કરી દેવામાં આવ્યા છે. જિલ્લામાં ૦ થી ૧ કિલોમીટરના વિસ્તારમાં ઝુમાવાડી વિસ્તાર આવે છે. જ્યાં ૨૫૦ જેટલા માછીમારોના પરિવારના ૮૫૦ જેટલા લોકો રહેતા હતાં. ગઈકાલે જ તેમનું સ્થળાંતર શરૂ કરી દેવામાં આવ્યું હતું. હવે માત્ર ૨૦-૨૫ લોકો અને નાનો મોટો સામાન જ ત્યાં છે જેનું પણ કાલે સવાર સુધીમાં સ્થળાંતર કરી દેવામાં આવશે. જે માટે વહીવટી તંત્ર અને અન્ય ઉદ્યોગો તથા સંસ્થાઓ દ્વારા વિવિધ વાહનોની સુવિધા ઊભી કરી છે. જે થકી તેમના સામાન અને પશુઓનું પણ સ્થાળાંતર કરવામાં આવ્યું છે. સ્થળાંતર પામેલા લોકો માટે નજીકના ગામોમાં પ્રાથમિક શાળા ખાતે રહેવા જમવાની વ્યવસ્થા સાથે આશ્રયસ્થાન ઊભા કરવામાં આવ્યા છે. હાલ આવા ૧૯ આશ્રયસ્થાન ઊભા કરવામાં આવ્યા છે.
ચક્રવાત બિપોરજોય જેમ જેમ ગુજરાતની નજીક આવી રહ્યું છે. તેમ તેમ જેની ભયંકર અસર વર્તાઇ રહી છે. ચક્રવાત બિપરજોયની અસરે દરિયાના વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાવાનું શરૂ થઇ ગયુ છે. તો કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જેની અસર હાલ મોરબી જિલ્લામાં પણ દેખાઈ રહી છે. જ્યાં મોરબીનાં રવાપર ગામ નજીક તળાવ પાસે ભારે પવન ફૂંકાતા હોર્ડિંગ તૂટી પડયું છે. જેના કારણે હોર્ડિંગ નીચે રહેલ દીવાલ તૂટી પડી છે. અલબત્ત, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ મોરબી વહીવટી તંત્ર દ્વારા આવા જોખમી હોર્ડિંગ ઉતારી લેવામાં આવે એવી સ્થાનિકોની માંગ ઉઠી છે.
મોરબી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમ રાઉન્ડ ધ કલોક હાજર
મોરબી સિવિલ હોસ્પિટલમાં રાઉન્ડ ધી કલોક અલગ અલગ સ્પેશિયાલિસ્ટ ૪ ડોકટરની ઉપલબ્ધ રહેશે તથા સિવિલ હોસ્પિટલના કંટ્રોલ રૂમનો નંબર ૯૯૯૮૬૬૦૨૦૬ પણ શરૂ કરાયો છે.
૧૨૩ બોટ કિનારે લાંગરી દીધી, ડમ્પર-જેસીબી જેવા સાધનો હાથવગા
મોરબીમાં આવતા નવલખી બંદર ખાતે રજીસ્ટર્ડ ૧૨૩ બોટના ૮૩૦ માછીમારોની બોટ કિનારે સલામત લાંગરી દેવામાં આવી છે અને માછીમારોને નજીકના ગામોમાં કે આશ્રયસ્થાનો પર સ્થળાંતર કરવામાં આવ્યા છે. તો ઈમરજન્સી જેવા સમયમાં તાત્કાલિક શિફ્ટ કરી સકાય અને ઉપયોગમાં લઇ સકાય તેવા જેસીબી અને ડમ્પરમાંથી ઓપરેટર સાથે ૨૫ ડમ્પર અને ૫ જેસીબી તૈયાર રાખવામાં આવ્યા છે.
પીજીવીસીએલ સહિતની ટીમો તૈનાત કરી દેવામાં આવી
પી.જી.વી.સી.એલ. દ્વારા એક-એક નોડલ ઓફિસર સાથે ૪ ટીમો હળવદ, વાંકાનેર અને મોરબી ખાતે ગોઠવી દેવામાં આવી છે. વીજળી પુરવઠો પુનઃ યથાવત કરવા માટે પૂરતા સાધનો ઉપલબ્ધ છે. મોરબી ખાતે સંભવિત વાવાઝોડાને પગલે અને ટીમો તૈનાત કરી દેવામાં આવી હોય જે ટીમો લાઈફ સેવિંગ બોટ સહિતના તમામ જરૂરી સાધનોથી સુસજ્જ છે. જિલ્લાના આપદા મિત્રોની ટીમ પણ તૈયાર છે. જેથી જરૂરતના સમયે તેનો સંપર્ક કરી શકાય છે.
સ્થળાંતરિત લોકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા
નવલખી બંદરની આસપાસના વિસ્તારોમાં સ્થળાંતર પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે સ્થાનિક પ્રશાસન સાથે ખભેખભો મિલાવી મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા અસરગ્રસ્તો તેમજ સ્થળાંતરિતો માટે બંને ટાઈમ ભોજન પ્રસાદની વ્યવસ્થા આવી રહી છે. જલારામ મંદિર આગેવાનો દ્વારા નવલખીના જુમ્માવાડી વિસ્તારના સ્થળાંતરિતો માટે ભોજન પ્રસાદની વ્યાવસ્થા કરવામાં આવી હતી. પરિસ્થિતી સામાન્ય ન થાય ત્યાં સુધી બંને ટાઈમ અસરગ્રસ્તો માટે ભોજન પ્રસાદ યોજવામાં આવશે તેમ સંસ્થાના અગ્રણીઓએ જણાવ્યુ હતું.
પશુ-પક્ષીની સારવાર માટે કર્તવ્ય એનિમલ હેલ્પલાઈન હાજર
વાવાઝોડા દરમિયાન પશુ અને પક્ષીને ઈજા પહોંચે તેવી સંભાવનાને ધ્યાને લઈને કર્તવ્ય એનિમલ હેલ્પલાઈન ટીમે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે. જેથી કોઈ ઘાયલ પશુ કે પક્ષી જોવા મળે તો કર્તવ્ય જીવદયા કેન્દ્ર સંપર્ક કરવા જણાવ્યું છે.
સિરામિક એસોસીએશન દ્વારા ઈમરજન્સી નંબર જાહેર
ઔદ્યોગિક વિસ્તારના રોડ અને ૮-એ નેશનલ હાઈવે ઉપર દરરોજના ૮૦૦૦ જેટલા વાહનોનું પરિવહન થતું હોય છે. જેથી રોડ ઉપર પણ એક્સીડન્ટના બનાવો ના બને તે માટે સાવચેતીના પગલારૂપે સીરામીક ઉદ્યોગનુ ડીસ્પેચ બંધ કરી દેવામા આવ્યું છે. તેમજ તેમજ વાવાઝોડા દરમિયાન કોઈપણ આપાતકાલીન પરિસ્થિતીમા કોઈ મજુર કે રાહદારી ફસાય કે રોડ ઉપર ક્યાંય વૃક્ષો પડી જાય તો તેના માટે જરુરી મશીનરી લોડર કે જેસીબી તૈયાર રાખવામાં આવેલ છે. જેના માટે મોરબી સીરામીક એસોશીએસન દ્વારા ત્રણ ઈમરજન્સી નંબર જાહેર કરવામાં આવ્યા છે. વાવાઝોડા સાથે અતિભારે વરસાદની પણ શક્યતાઓ રહેલ છે. તેવામા મોરબી જિલ્લામા કોઈપણ લોકોને જો ફુડની જરુર પડે તો ફુડ પેકેટ માટે ટીમ સતત કાર્યશીલ રહેશે. તેમ સિરામિક એસો દ્વારા જણાવ્યું છે.