Get The App

બિસ્માર રસ્તાથી તોબા : ભાવનગરથી સિહોરનો ડીસ્કો રોડ લાંબા સમયથી રિપેરીંગ ઝંખે છે

Updated: Sep 29th, 2024


Google NewsGoogle News
બિસ્માર રસ્તાથી તોબા : ભાવનગરથી સિહોરનો ડીસ્કો રોડ લાંબા સમયથી રિપેરીંગ ઝંખે છે 1 - image


- સિહોર બસ સ્ટેશન પાસેના રોડના ખાડા મોતનું કારણ બની શકે છે

- નેશનલ ઓથોરીટીનું ધ્યાન દોરવા છતાં થુકના સાંધા ક્યાં સુધી ? કાનુન મુજબ કાર્યવાહી કરવાની ચિમકી

ભાવનગર : ભાવનગર-સિહોર વચ્ચેનો નેશનલ ઓથોરીટીમાં આવતા રોડની બિસ્માર હાલતથી રાહદારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે જે અંગે ખુદ કલેક્ટરે પણ ધ્યાન દોર્યું હતું પરંતુ માત્ર થાગડ થીગડા કરી સંતોષ મનાતો હોય સ્થિતિ ઠેરની ઠેર રહેવા પામી છે. ત્યારે નક્કર કામગીરી માટે જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ દ્વારા નેશનલ ઓથોરીટીને સણસણતો પત્ર મોકલી તાકિદે બિસ્માર રસ્તાને રિપેર કરવા ઉગ્ર માંગણી કરાઇ હતી.

નેશનલ હાઇવે ઓથોરિટીની અંડરમાં આવતો ભાવનગર જિલ્લાના સિહોરથી ભાવનગર જતો રોડ લગભગ બે ત્રણ વર્ષથી તદ્દન તુટી ગયો છે, ઠેર-ઠેર મોટા ગાબડાઓ પડયા છે, પાણી ભરાય છે અને સિહોર બસ સ્ટેશન પાસેથી તો વાહન ચાલકોને નીકળવું પણ મુશ્કેલ થઇ જાય છે. આ જ રસ્તા ઉપર સિહોરના દાદાની વાવ સુધીમાં રોડ ઉપર માણસ પડે તો મૃત્યુ પામે એવા મોટા ખાડા પડયા છે. ઉપરાંત ખોડિયાર મંદિર પાસે પણ મોટા ખાડા છે, નવાગામમાંથી પસાર થવા માટે તો જાણે કે રોડ કરતા નદી કે કોઇ જલમાર્ગ કે પહાડ ઉપર ચાલતા હો તેવો અહેસાસ થાય છે. આ માટે અગાઉ અનેક વખત લેખિત મૌખિક રજૂઆત કરેલ છે. કલેક્ટર દ્વારા પણ ઓથોરિટીનું ધ્યાન દોર્યું છે પણ જ્યારે રજૂઆતનો વિષય બને ત્યારે ખાડામાં માટી નાખી દઇ સંતોષ માને છે પરંતુ આ કામગીરી ગણ્યા ગાઠયા દિવસો સુધી જ સારી રહે છે. ફરી ત્યાના ત્યાં જ આવી ઉભા રહેવું પડે છે. આ રોડ પર પડેલા ખાડાઓથી જો કોઇ રાહદારીઓને નુકશાન થશે કોઇ જાનહાની થશે તો એના માટે જવાબદાર કોણ ? તત્કાલ કાર્યવાહી ના થાય તો ભારતીય કાનુન મુજબ કાર્યવાહી કરાવવા ફરજ પડશે તેવી ચિમકી સાથે જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ નાનુભાઇ ડાંખરાએ નેશનલ ઓથોરીટીને ઉગ્ર રજૂઆત કરી છે.


Google NewsGoogle News