જેતપુરમાં ભાદર નદી પરનો જર્જરીત પુલ ખૂબ જોખમી
- યુવાન પુલ પરથી ખાબક્યા બાદ લાપત્તા
- મંત્રીનાં આદેશથી પાલિકાએ પોતાની જવાબદારી ન હોવા છતાં રીપેરીંગ શરૂ કર્યું, પણ રેલીંગ સાથે ઊંચો પુલ બનાવવા માંગ
જેતપુરમાં ભાદર નદી પરનો જર્જરીત બેઠો પુલ ખૂબ જોખમી બની ગયો છે. અને એક યુવાન પુલ પરથી ખાબક્યા બાદ પત્તો પણ લાગ્યો નથી. વળી, કેબિનેટ મંત્રીનાં આદેશથી પાલિકાએ જવાબદારી નહીં હોવા છતાં રીપેરીંગ શરૂ કર્યું છે, પણ રેલીંગ સાથે ઉંચો પુલ બનાવવા લોકમાંગ ઉઠી છે.
જેતપુરના આઠથી દસ ગામોએ જવાનો ભાદર નદી પરનો બેઠી ઢાબીનો પુલ બે વર્ષથી સાવ ધોવાય ગયો છે. અને પુલ એટલી હદે ધોવાઈ ગયો છે કે પુલ પરની બે લેયરમાંથી એક લેયરનો એક ભાગ સાવ ધોવાય ગયો છે. અને પુલ એટલી હદે તૂટી ગયો છે વાહન ચાલકો પુલ પરથી ચાલી શકે તેમ જ નથી. ઉપરાંત પુલ પર ક્યાંય રેલિંગ તો છે જ નહીં.
આવા તૂટેલ ભાંગેલ પુલ પર છેલ્લા એક મહિનામાં ચાર જીવલેણ અકસ્માતો સર્જાયા છે. જેમાં ગતરાત્રે પુલ પરથી પોતાનું એક્ટિવા લઈને જતા રાજુભાઇ શીલું નામના એક ચાલકનું એક્ટિવાનું આગળનું ટાયર એક ખાડાની કડમાં સલવાય જતાં તેઓ એક્ટિવા પરથી નીચે ગબડી પડયા અને બેલેન્સ ગુમાવાથી પુલ પર રેલિંગ ન હોવાથી સીધા જ નદીમાં ખબકયા હતા અને ગતરાતથી તેમની નદીના પાણીમાં શોધખોળ ચાલુ છે પરંતુ હજુ તેમનો ક્યાંય પતો નથી.
આંધળી, બહેરી અને મૂંગી સરકાર જાણે કોઈનો જીવ ગયા બાદ કંઇક સમારકામ કરશું તેવો નિર્ણય લીધો હોય તેમ આજે કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ જેતપુર નગરપાલિકાને પુલનું તાત્કાલિક સમારકામ કરવાનો હુકમ કરતા માર્ગ અને મકાન વિભાગની અન્ડરમાં પુલનું કામ આવતું હોવા છતાં નગરપાલિકા દ્વારા સમારકામ હાથ ધરાયુ હતું. પરંતુ આ પુલને ઊંચો અંને રેલીંગવાળો બનાવવા ગામલોકોએ માંગ કરી હતી.