દિહોરના ખેડૂતના કારણે વીજ કર્મી.નું મોત, પોલીસ ફરિયાદ
બાજુની વાડીમાંથી બિનઅધિકૃત જોડાણ લેતા પાવર રિટર્ન થયો
લાઈન ક્લિયર લીધા બાદ ત્રાપજ પેટા વિભાગીય કચેરીના કર્મચારીઓ સ્વિચ રિપેરીંગનું કામ કરી રહ્યા હતા
તળાજા: તળાજા તાલુકાના દિહોર ગામના ખેડૂતની ગંભીર બેદરકારીને કારણે વીજ કર્મચારીનું મોત થયાની ઘટનામાં નાયબ ઈજનેરે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દિહોર સબ સ્ટેશન હેઠળના ૧૧ કે.વી. ભાંખલ ખેતીવાડી ફીડરની લોડ સીડીંગ ટ્રાન્સફોર્મર (એલ.એસ.ટી.) ડબલ પોલ સ્ટ્રક્ચર (ડી.પી.) પર (એલ.એસ.ટી.) સ્વીચનું રિપેરીંગ કામ કરવા માટે ગઈકાલે સોમવારે પાલિતાણા વિભાગીય કચેરીના કર્મચારીઓ દિહોર ગામે આવેલ ૬૬ કે.વી. એસ.એસ. ખાતે પહોંચ્યા હતા. અહીં એલ.સી. લીધા બાદ સેફ્ટી સાધનો સાથે સ્વીચ રિપેરીંગનું કામ શરૂ હતું. તે દરમિયાન બપોરે ૧૨-૩૦ વાગ્યા આસપાસ અન્ય ફીડરનો રિટર્ન પાવર આવતા શોયેબમહમદભાઈ યુનુસભાઈ કુરેશીને વીજ શોક લાગતા તેઓ ફીડર ઉપરથી નીચે પડી ગયા હતા. જેમને સારવાર માટે પ્રથમ દિહોરની ખાનગી હોસ્પિટલ બાદ ભાવનગર સર ટી.હોસ્પિટલ લઈ જવામાં આવતા વીજ કર્મચારીનું મૃત્યુ થયું હતું.
આ સમગ્ર ઘટના અંગે તપાસ કરવામાં આવતા રિપેરીંગ કામગીરી શરૂ હતી. ત્યારે ૬૬ કે.વી. દિહોર એસ.એસ.થી આશરે ૫૦૦ મીટરના અંતરે આવેલી પ્રાણશંકર વશરામભાઈ પનોત નામના શખ્સે તેની બાજુમાં માવજી ઉકાભાઈ નામના ગ્રાહકની આવેલી વાડીમાંથી ટી.સી.ના એલ.ટી. સ્ટર્ડમાં બિનઅધિકૃત રીતે વાયરનો એક છેડો ડાયરેક્ટ જોડી અને બીજો છેડો તેની વાડીમાં આવેલા મીટરના ફ્યુઝમાં ડાયરેક્ટ જોડાણ કરી દેતા પાવર રિટર્ન થવાથી ભાંખલ ફીડર લાઈનમાં કામ કરી રહેલા કર્મચારીનું વીજ શોક લાગવાથી મોત થયાનું બહાર આવ્યું હતું.
આ બનાવ અંગે ત્રાપજ પેટા વિભાગીય કચેરીના નાયબ ઈજનેર અનિમેષકુમાર દિનુભાઈ પટેલ (ઉ.વ.૩૫, રહે, રાજપરા નં.૨, તા.તળાજા)એ પ્રાણશંકર પનોત (રહે, વાડી વિસ્તાર, દિહોર) નામના શખ્સ સામે આજે મંગળવારે ફરિયાદ નોંધાવતા તળાજા પોલીસે ઈન્ડિયન ઈલેક્ટ્રીસિટી એક્ટ અમેન્ડની કલમ ૧૩૮ (૧) (બી) અને આઈપીસી ૩૦૪ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
આરોપી ફરાર, ગુનો સાબીત થશે તો લાંબી સજાની જોગવાઈ
વીજ કર્મચારીના મોત મામલે સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસ પકડવા ગઈ ત્યારે શખ્સ ફરાર થઈ ગયો હોવાનું તપાસ અધિકારીએ જણાવ્યું છે. આ ગુના બાબતે ધારાશાસ્ત્રીના અભિપ્રાય મુજબ જે કલમ લગાવાઈ છે, તે મુજબ જો ગુનો સાબીત થશે તો શખ્સને ૧૦ વર્ષથી લઈ આજીવન કેદની સજા થઈ શકે છે. વધુમાં ખેડૂત શખ્સ વીજ પુરવઠો મેળવવા અધીરો બન્યો હોવાથી તેની જીવલેણ બેદરકારીને કારણે એક વર્ષના માસૂમ બાળકે પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.