Get The App

ઢસાની ગઢડા ચોકડીએ દેવીપૂજક સમાજ રસ્તા પર ઉતર્યો, ચક્કાજામ

Updated: Jun 11th, 2022


Google NewsGoogle News
ઢસાની ગઢડા ચોકડીએ દેવીપૂજક સમાજ રસ્તા પર ઉતર્યો, ચક્કાજામ 1 - image


- ગઢડા સબ જેલમાં કાચા કામના કેદીના મોતનો વિવાદ ગંભીર બન્યો

- 4 કલાક સુધી દોઢથી 2 કિ.મી. સુધી વાહનનોની લાંબી લાઈનો લાગી, એસ.પી., પ્રાંત અધિકારીની સમજાવટ બાદ ચક્કાજામ ખુલ્લો થયો

ભાવનગર : ઢસાના યુવાનનું સબ જેલમાં મૃત્યુ થયાનો વિવાદ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ઢસાની ગઢડા ચોકડીએ દેવીપૂજક સમાજે રોડ પર ઉતરી જઈ ચાર કલાક સુધી ચક્કાજામ કર્યો હતો. જ્યારે ભાવનગરમાં બીજા દિવસે પણ મૃતકના પરિવારજનો અને આગેવાનોએ હોસ્પિટલ ખાતે ધામા નાંખી જવાબદાર કર્મચારીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી જેલ હવાલે કરવાની માંગણી સાથે મૃતદેહને સ્વીકારવાનો નનૈયો ભણ્યો હતો.

ગઢડા સબ જેલ ખાતે ગુરૂવારે વિક્રમ સુરેશભાઈ મીઠાપરા નામના કાચા કામના કેદીનું મૃત્યુ થયું હતું. જે બનાવને લઈ પરિવારજનોએ એવો આક્ષેપ કર્યો હતો કે, વિક્રમનું મૃત્યુ પોલીસના ઢોર માર મારવાના કારણે જ થયું છે. પ્રથમ દિવસે ગઢડા સરકારી હોસ્પિટલમાં હોબાળો મચતા પેનલ પીએમ કરાવવા મૃતદેહને ભાવનગર લાવવામાં આવી રહ્યો હતો. ત્યારે દેવીપૂજક સમાજના લોકો તેમજ પરિવારજનોએ રસ્તા પર બેસી જઈ એમ્બ્યુલન્સને રોકી દીધી હતી. જેથી એસ.પી. સહિતના ઉચ્ચ અધિકારીઓએ દરમિયાનગીરી કરી મૃતદેહને પેનલ પીએમ માટે ભાવનગર મોકલ્યો હતો.

જ્યારે ગઈકાલે શુક્રવારે પણ વિક્રમ મીઠાપરાનું મોત પોલીસના મારથી જ થયાનું અને જવાબદાર સામે ગુનો દાખલ કરી સસ્પેન્ડ કરવાની માંગણી સાથે મૃતદેહ સ્વીકારવામાં આવ્યો ન હતો. આ ઘટનાના આજે શનિવારે ત્રીજા દિવસે મૃતદેહને સ્વીકારવામાં આવ્યો ન હતો. ભાવનગરની સર ટી.હોસ્પિટલ ખાતે મૃતકના સ્વજનો અને સમાજના આગેવાનોએ પોલીસની સમજાવટ છતાં ભૂખ્યા-તરસ્યા રહી એક જ માંગણી કરી હતી કે, મૃતકને ન્યાય અપાવવા માટે જ્યાં સુધી ઢસા પોલીસના જવાબદાર કર્મચારીઓ સામે હત્યાનો ગુનો (આઈપીસી ૩૦૨) દાખલ નહીં થાય ત્યાં સુધી મૃતદેહને સ્વીકારવામાં નહીં જ આવે. જ્યારે ઢસા ગામે ભાવનગર-રાજકોટ રોડ પર આવેલી ગઢડા ચોકડી ખાતે બપોરે બે કલાક આસપાસ દેવીપૂજક સમાજના ૧૦૦થી ૨૦૦ જેટલા લોકો તેમજ પરિવારજનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેઓનો એવો આક્ષેપ હતો કે, પરિવારજનો ભાવનગર જઈ રહ્યા હતા. ત્યારે પોલીસે તેમને જવા નહીં દેવા માટે રોક્યા હતા. જેના કારણે લોકોએ એકઠા થઈ પોલીસ સામે આક્રોશ વ્યક્ત કરવા ચક્કાજામ કર્યું હતું.

ગઢડા ચોકડીએ લગભગ ચારેક કલાક સુધી ચક્કાજામ કરી દેવાતા વાહનોની દોઢથી બે કિ.મી. સુધી લાંબી લાઈનો લાગી હતી. સ્થિતિ વણસી જતાં બોટાદ એસપી, બોટાદ પ્રાંત અધિકારી અને જિલ્લાભરની પોલીસનો મસમોટો કાફલો ઢસા ગામે દોડી ગયો હતો અને કલાકોની સમજાવટ બાદ સાંજે છ કલાક આસપાસ ચક્કાજામને ખોલાવી ટ્રાફિક પૂર્વવત કરવામાં આવ્યો હતો. 

ભાવનગરમાં બે દિવસથી મૃતકના પરિવારજનો-આગેવાનોના ધામા, જવાબદાર પોલીસ કર્મચારી સામે હત્યાનો ગુનો દાખલ કરી જેલહવાલે ન કરાઈ ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો નનૈયો

મૃતકના શરીર પર ગંભીર મારના નિશાન, આઈજીને રજૂઆત

ગઢડા સબ જેલમાં યુવાનના મોતના ઘેરા પડઘા પડી રહ્યા છે. આજે ભાવનગર ખાતે દેવીપૂજક સમાજ દ્વારા રેન્જ આઈજીને લેખિતમાં રજૂઆત કરી એવી માંગણી ઉચ્ચારવામાં આવી હતી કે, પોલીસ કસ્ટડીમાં પોલીસે ઢોર માર માર્યો હતો. જે જવાબદાર પોલીસ કર્મચારી સામે આઈપીસી ૩૦૨ મુજબ ફરિયાદ દાખલ કરી મૃતકના પરિવારજનોને ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહને સ્વીકારવામાં નહીં આવે. જો ગુનો દાખલ નહીં થાય તો સમગ્ર ગુજરાતમાં દેવીપૂજક સમાજ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડશે. એવી પણ રજૂઆત કરાઈ છે કે, મૃતકના માથા અને શરીરના ભાગો પર ગંભીર મારના નિશાન છે.

આજે ભાવનગર કલેક્ટરને આવેદન અપાશે

વિક્રમ મીઠાપરાના મૃત્યુએ દેવીપૂજક સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પાડયા છે. ત્રણ દિવસ થવા છતાં બોટાદ જિલ્લાની પોલીસ કોઈ જ કાર્યવાહી કરતી ન હોય, આવતીકાલે ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટરને આવેદન આપી સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસ કરી જવાબદાર પોલીસ કર્મચારી સામે ગુનો નોંધી જેલહવાલે કરવાની માંગણી કરવામાં આવશે તેમ જણાવાયું છે.

પારદર્શક-ન્યાયિક થશે, લોકોને શાંતિ જાળવવા S.P.ની અપીલ

ઢસામાં રોડ ચક્કાજામને લઈ બોટાદ એસ.પી. સહિતનો મસમોટો પોલીસ કાફલો દોડી ગયો હતો. અહીં રોષે ભરાયેલા પરિવારજનો અને દેવીપૂજક સમાજના આગેવાનો સાથે જિલ્લા પોલીસ વડાએ ચર્ચા કરી સમગ્ર ઘટનાની નિષ્પક્ષ, ન્યાયિક અને પારદર્શક તપાસ કરવા બાંહેધરી આપી હતી. બોટાદ એસ.પી.એ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, ૯મીના રોજ ગઢડા સબ જેલમાં વિક્રમ મીઠાપરાનું થયા બાદ ઈન્કવેસ્ટ પંચનામું કરી ભાવનગર ખાતે વીડિયોગ્રાફી સાથે પેનલ પીએમ કરાયું છે. કોઈપણ કસ્ટોડિયલ ડેથના કિસ્સામાં જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ દ્વારા અલગથી તપાસ થતી હોય છે. આ બનાવમાં પણ ન્યાયધીશ દ્રારા ન્યાયિક તપાસ કરવામાં આવશે. જેથી લોકોએ શાંતિ જાળવવા અને કાયદાને કાયદાનું કામ કરવા દેવા અપીલ કરી હતી.


Google NewsGoogle News