ધંધુકાની 50 હજારની વસ્તી ભર ઉનાળે પાણી માટે વલખા મારે છે
- 7 થી 8 દિવસે પાણીનો વારો આવતા લોકો ત્ર્યસ્ત
- પાણી પુરવઠા કચેરી પાલિકાને પાણી પુરૂ પાડવામાં અખાડા કરે છે, છાસવારે મોટર બળી ગઈ, વીજળી નથીની બહાનાબાજી
ધંધુકા, અમદાવાદ પાણી પુરવઠા કચેરી દ્વારા ધંધુકા નગરપાલિકાને નર્મદા આધારિત કેનાલનું પાણી આપવામાં આવે છે. પાણી પુરવઠા બોર્ડની કચેરી દ્વારા છેલ્લા એક માસથી પાણી પુરૂ પાડવામાં અખાડા કરાતા હોવાનું બહાર આવ્યુ છે. ધંધુકાની ૫૦ હજારની વસ્તીને સાત આઠ વારામાં વિસ્તાર મુજબ પાણી અપાય છે અને તે પણ પુરૂ મળતુ નથી. પાણી પુરવઠા બોર્ડ હસ્તકના પમ્પીંગ સ્ટેશનોની મોટર બળી ગઈ છે, વિજળી નથી જેવા બહાના બતાવી પાણી પુરવઠો અપાતો નથી. પાણી પુરવઠા કચેરી ધંધુકા સબ ડીવીઝન અને અમદાવાદ ડીવીઝનનું કોઈ રણીધણી છે કે, નહિ તેવો પ્રશ્ન ખડો થયો છે. ધંધુકા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઉનાળો શરૂ થતાની સાથે પાણીનો કકળાટ શરૂ થયો છે. ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, ધંધુકા નગરપાલિકાના પુર્વ કારોબારી ચેરમેન ભદુભાઈ મહારાજ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી હતી કે, ધંધુકા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પુરતા પ્રમાણમાં પાણી આપવાનું આયોજન થાય. અત્રે એ ઉલ્લેખનીય છે કે, ધંધુકા પાણી પુરવઠા બોર્ડ સબ ડીવીઝન કચેરીના ઉચ્ચ અધિકારીઓને સ્થાનિક પ્રજાજનોની પાણીની હાડમારીની જાણે કે, પડી જ ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થયેલ છે. ઉનાળાના કપરા દિવસોમાં પાણી ન મળે એટલે કેવી પરિસ્થિતીનું નિર્માણ થાય તેની અનુભૂતિ કરનારને જ ખબર હોય છે. અમદાવાદના જલભવનમાં ફરજ બજાવતા કાર્યપાલક ઈજનેર ધંધુકા સહિતના ભાલ વિસ્તારનો પ્રવાસ ખેડે તો જ તેઓને ખબર પડે કે, પાણી વગર લોકોની શી હાલત થાય છે.