ધંધુકા શહેર પંથકમાં રોગચાળાએ માથુ ઉચક્યું : ઘરે-ઘરે માંદગીના ખાટલા
- પાણીની લાઇનમાં દૂષિત પાણી ભળી જવાની રાવ
- ઝાડા-ઉલ્ટી અને કમળાના કેસોમાં નોંધપાત્ર વધારો : આરોગ્ય તંત્રએ પગલા ભરવા જરૂરી
ધંધુકા શહેર અને પંથકમાં ઝાડા-ઉલ્ટી અને કમળાના રોગના દર્દીઓ દીનપ્રતિદિન વધતા હોવાનું બહાર આવ્યું છે. ખાનગી ડોક્ટરો અને રિપોર્ટ કરતી લેબોરેટરીનો સર્વે કરતા ઝાડા-ઉલ્ટી અને કમળાનો રોગચાળો વકર્યો હોવાનું જાણવા મળેલ છે. ધંધુકા શહેરમાં લીકેજ પાણીની પાઇપલાઇનોમાં દૂષિત પાણી ભળી જતું હોવાનું પણ બહાર આવ્યું છે જેમાં બસ સ્ટેશનની સામે પથીક આશ્રમ પાસેથી ગટરને અડીને જતી પાઇપલાઇન ઘણા સમયથી લીકેજ છે તેના સમારકામ માટે વારંવાર રજૂઆત થઇ છે. પ્લોટ વિસ્તારમાં ભુગર્ભ ગટરો ઉભરાય છે. ધંધુકા નગરપાલિકા આ અંગે ગંભીર બને તેવી લોકમાંગણી છે. વકરતા જતા ઝાડા-ઉલ્ટી અને કમળાના રોગચાળાને ડામવા આરોગ્ય તંત્ર ચેતનવંતુ બને તેવી લોકમાંગ ઉઠવા પામી છે. વરસાદના દિવસોમાં રોગચાળો વધારે વકરે તે પહેલા જવાબદાર તંત્ર કામગીરી કરે તેવી શહેરની જનતાની માંગણી છે.