શકિતપૂજાના મહાપર્વ શારદીય નવરાત્રિના પ્રારંભે માતાજીના મંદિરોમાં ભાવિકો ઉમટયા
- પ્રતિ દિન માતાજીના અલગ-અલગ સ્વરૂપોની ઝાંખીનું વિશેષ મહત્વ
- ગોહિલવાડના ગામે ગામ અને માતાજીના ધામોમાં અનુષ્ઠાન તેમજ પરંપરાગત ગરબી અને અર્વાચીન રાસોત્સવના આયોજન
જગત જનની જગદંબાની આરાધનાના સૌથી લાંબા નવલા નવરાત્રિ મહોત્સવનો રવિવારથી રંગે ચંગે ભાવ અને ભકિતમય માહોલમાં શુભારંભ થયો હતો. શકિતપૂજાના આ મહાપર્વના પ્રારંભે માતાજીને વિશિષ્ઠ શણગાર કરાયો હતો. શહેરના નાના અને મોટા વડવાળા અંબાજી મંદિર, બાલા બહુચરાજી મંદિર, મહાલક્ષ્મી મંદિર,આશાપુરા મંદિર, વડવાળા ચામુંડા મંદિર, શીતળા માતાજી મંદિર, માતૃધામ માતૃમંદિર (અકવાડા),રાજપરા ખોડીયાર, નાગલપરી ખોડિયાર (નાગધણીબા) ચામુંડાધામ (ઉંચા કોટડા), કુડાગીરી માતાજી, બહુચરાજીધામ (અગીયાળી), મોગલ માતાજી (ભગુડા) સહિતના નામી અનામી પ્રાચીન અને અર્વાચીન માઈમંદિરોમાં સવારથી જ માઈભકતોની ભારે ભીડ જોવા મળી હતી. અનેક મંદિરોમાં માઈભકતોની લાંબી લાઈનો જોવા મળી હતી. માઈમંદિરોમાં શુભ મુર્હૂતે વિધિવત કુંભ સ્થાપન કરી અને તેની આસપાસ જવારા વાવવામાં આવ્યા હતા. હવેથી નીત્યક્રમ મુજબ જવારાની પણ પુજા થશે. નવરાત્રિ દરમિયાન પ્રતિદિન માતાજીને અલગ અલગ ચિત્તાકર્ષક સુશોભન અને શણગારની ઝાંખી કરાવાશે. આ સાથે વિશ્વંભરી અને ચંડીપાઠનું પારાયણ, દેવી અનુષ્ઠાન,વ્રત, ઉપવાસ, ફલાહાર કરાશે. સવારે અને સાંજે મહાઆરતી થશે.દૈવી શકિતની કૃપાદ્રષ્ટિ મેળવવાના આ અવસરે નવરાત્રિ દરમિયાન માઈભકતો દ્વારા શક્રાદય સ્તુતિ અને દુર્ગાસ્તોત્રના જાપ પણ થઈ રહ્યા છે. દરમિયાન સાંજથી મોડી રાત્રી સુધી ચોતરફ ખેલૈયાઓ દ્વારા દાંડીયારાસ, ગરબા, રાસોત્સવની ખેલૈયાઓ દ્વારા મન મુકીને રમઝટ બોલાવાઈ રહી છે. જયારે અનેક સ્થળોએ પ્રાચીન ગરબી,ભવાઈ, નાટક થકી ઈતિહાસ સાથે અવગત કરાવતી પરંપરા જળવાઈ હતી.
શુકનવંતી ચીજવસ્તુઓની ધૂમ ખરીદી
રાજ રાજેશ્વરી જગદંબાની આરાધનાના મહાપર્વ નવલી નવરાત્રિના પવિત્ર દિવસોમાં વગર જોયુ મુર્હૂત ગણાતુ હોય આ પર્વના પ્રથમ દિવસથી જ ગૃહ સુશોભન, શણગારની ચીજવસ્તુઓ, સોના-ચાંદી, વાહન, પ્લોટ, મકાન, દુકાન, મોબાઈલ તેમજ મનોરંજનના સાધનો સહિતની શુકનવંતી ચીજવસ્તુઓની ધૂમ ખરીદી થઈ રહી છે. આ તહેવાર દરમિયાન અસંખ્ય પરિવારો દ્વારા ગૃહ પ્રવેશ, વાસ્તુપૂજન, વેવીશાળ તેમજ કંકુપગલા સહિતના માંગલિક કાર્યો હાથ ધરાશે.