સિહોરના ટોડા ગામમાં વિકાસના નામે મીંડુ, ગ્રામજનો આંદોલનના મૂડમાં
- તલાટી મંત્રીની અનિયમિતતાથી લોકો પરેશાન
- તમામ કરવેરાઓ નિયમિત વસુલતા ગ્રામ પંચાયત દ્વારા આવશ્યક પ્રાથમિક સુવિધાઓ આપવામાં વિલંબ
સિહોર તાલુકાનું ટોડા ગામ વર્ષોથી અવિકસીત રહેલુ છે. આ ગામમાં અમુક રસ્તાઓ પર આઝાદી પછી અત્યાર સુધી એક પણ વખત આર.સી.સી. કે પેપર બ્લોક પણ નાખવામાં આવેલ નથી, એટલુ જ નહિ સ્ટ્રીટ લાઈટની પણ સુવિધા નથી જેને લઈને રાત્રિના સમયે મહિલાઓ, બાળકો, વૃદ્ધો વગેરેને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગ્રામ પંચાયત લાઈટવેરો, સફાઈવેરો, ગટર વેરો , પાણી વેરો વગેરે ગ્રામજનોની પાસેથી નિયમીતપણે વસુલાત કરે છે તેમ છતાં આ ગામમાં આવશ્યક પ્રાથમિક સુવિધાઓ તો લોકોને મળતી નથી. ટોડા ગામનો મુખ્ય માર્ગ ખૂબ જ ખરાબ હાલતમાં થઈ જવા પામેલ છે. સમગ્ર ગામમાં ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત ગટર લાઈન તો નાખવામાં આવેલ છે પરંતુ તેમના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા ગોઠવેલ ન હોવાથી ગામમાં ગટરો ઉભરાવાના પ્રશ્નો છાસવારે ઉભા થતા હોય છે અને એના કારણે લોકોના આરોગ્ય ઉપર પણ ખરાબ અસર થઈ રહી છે.આ બાબતે ગામના લોકોને રજૂઆત કરવી હોય તો કોને કરે. કેમ કે, તલાટી મંત્રી અનિયમિત છે તલાટી મંત્રી ભાગ્યે જ ગ્રામ પંચાયતની મુલાકાત લેતા હોય તેવું જોવા મળી રહ્યું છે. તલાટી મંત્રી યોગ્ય જવાબ પણ આપતા નથી. આ બાબતે ટોડા ગામના લોકો અનેક સમસ્યાઓથી ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે ત્યારે ગામના યુવા આગેવાન દિવ્યરાજસિંહ ગોહિલે આ ગંભીર બાબતે સત્તાધીશો દ્વારા વહેલી તકે યોગ્ય કાર્યવાહી હાથ ધરાય અને લોકોને તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ મળી રહે તેવી માંગ કરી છે અન્યથા આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.