પોરબંદર જિલ્લામાં ચૂંટણી સંબંધે 2399 સામે અટકાયતી પગલાં
અત્યાર સુધીમાં ૯૯ ટકા હથિયારો જમા લઈ લેવાયાં
જૂનાગઢ રેન્જમાં પોરબંદર જિલ્લા પોલીસની કામગીરી શ્રેષ્ઠ, સંવેદનશિલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ- ફ્લેગમાર્ચ
પોરબંદર: પોરબંદર જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટાચૂંટણી અન્વયે પોલીસ તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કુલ ૨૩૯૯ લોકો સામે અટકાયતી પગલા લેવામાં આવ્યા છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સંબંધે જૂનાગઢ રેન્જમાં સૌથી સારી કામગીરી પોરબંદર જિલ્લા પોલીસે કરી હોવાનું જણાવાયું છે.
તા.૭ મેના રોજ ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય અને કોઇ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તે માટે જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં વધુમાં વધુ પ્રમાણમાં શરીર સંબંધી- મિલકત સંબંધી અટકાયતી પગલા લેવા બાબતે સૂચના અપાતાં તમામ થાણા અધિકારીઓ તથા શાખાઓ દ્વારા જૂનાગઢ રેન્જમાં પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા સૌથી સારી કામગીરી કરવામાં આવેલ છે.
જિલ્લા પોલીસ દ્વારા પાસા હેઠળ-૧૩, તડીપાર-૪૫, સી.આર.પી.સી.૧૦૭/૧૧૬ મુજબ ૯૪, સી.આર.પી.સી.-૧૧૦ મુજબ ૧૮૦૧, સી.આર.પી.સી.-૧૫૧ હેઠળ ૨૪૩, પ્રોહીબિશનના ૨૦૩ કુલ-૨૩૯૯ લોકો સામે અટકાયતી પગલા લેવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ દ્વારા જમા કરેલ હથીયારની ટકાવારી ૯૯.૩ ટકા છે.આ ઉપરાંત લોકો નિર્ભયતાથી મતદાન કરી શકે તે માટે કેન્દ્રીય રીઝર્વ દળ અને સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં સંવેદનશીલ વિસ્તાર ફુટ પેટ્રોલીંગ- ફલેગ માર્ચ કરવામાં આવી રહી છે.