Get The App

લસણના ભાવ સતત આસમાનને આંબેલા રહ્યા હોવા છતા માંગ યથાવત

Updated: Feb 25th, 2024


Google NewsGoogle News
લસણના ભાવ સતત આસમાનને આંબેલા રહ્યા હોવા છતા માંગ યથાવત 1 - image


- રસોઈને સ્વાદિષ્ટ અને ટેસ્ટફૂલ બનાવતા 

- સૌરાષ્ટ્રના માર્કેટીંગ યાર્ડમાં લસણની આવકમાં ઉત્તરોત્તર વધારો થતા આગામી દિવસોમાં ભાવ ઘટવાની આશા

ભાવનગર : રસોઈને સ્વાદિષ્ટ અને ટેસ્ટફૂલ બનાવવામાં સિંહફાળો આપનાર લસણના ભાવમાં છેલ્લા એકાદ માસથી સતત ઉછાળો આવ્યો હોવા છતાં તેની માંગમાં જરાપણ ઘટાડો થયો નથી.નવી સિઝનના લસણની આવકમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો હોય ભવિષ્યમાં લસણના ભાવ નીચા આવે તેવી શકયતા સેવાઈ રહેલ છે. 

ભાવનગર શહેરની મુખ્ય તેમજ પરા વિસ્તારોની શાકમાર્કેટમાં ગત ડિસેમ્બરના અંતથી નાની સાઈઝથી લઈને મધ્યમ સાઈઝના લસણ રૂા ૨૫૦ થી લઈને રૂા ૩૦૦ આસપાસના ભાવે એક કિલો લેખે વેચાઈ રહેલ છે. ગત વર્ષ દરમિયાન ગોંડલ સહિતના અનેક સ્થળોએ લસણનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયુ હતુ. ગત ૧૫ ફેબુ્રઆરીથી ગોંડલ સહિતના માર્કેટીંગ યાર્ડોમાં સીઝનના નવા લસણની આવક શરૂ થઈ હતી. જેમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. નવા લસણની વિપુલ પ્રમાણમાં આવક થઈ રહેલ છે. હવે સૌરાષ્ટ્રના કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરાયેલ લસણનો જથ્થો ઘટશે તો હાલના લસણના ભાવમાં હજુ પણ વધારો થાય તેવી આશંકા સેવાઈ રહેલ છે. ગત સપ્તાહમાં ગોંડલના માર્કેટીંગ યાર્ડમાં લસણનો ભાવ એક મણનો રૂા ૬૦૦૦ થી લઈને રૂા ૮૭૪૧ સુધીનો બોલાયો હતો.આગામી એકાદ મહિનામાં સૌરાષ્ટ્રની લોકલ આવક વધવા લાગશે એટલે લસણની માર્કેટના ભાવ સામાન્ય થવા લાગશે. સામાન્ય રીતે દર વર્ષે સ્વાસ્થ્યવર્ધક શિયાળાની ઋુતુમાં ઓળા રોટલાની સિઝન ઉપરાંત લીલાછમ્મ શાકભાજીની આવક વધતા ગોહિલવાડમાં ઘેર ઘેર ઉંધીયાનો વપરાશ વધતો જતો હોય છે. એટલુ જ નહિ શિયાળુ લગ્નસરાની સિઝન જામી રહેલ હોય લસણ અને ડુંગળીનો ઉપાડ વધતો જતો હોય છે. તેથી ડિસેમ્બરથી ફેબુ્રઆરીના અંત સુધીમાં લસણના ઉંચા ભાવ ચૂકવવા માટે સૌ કોઈને તૈયાર રહેવુ પડશે. ગોંડલ ઉપરાંત આસપાસના પાડોશી રાજયોમાંથી પણ નવી આવકમાં ઉત્તરોત્તર પ્રમાણમાં વધારો થતો રહેશે.


Google NewsGoogle News