ડિઝાઈનર રાખડીઓના ભાવમાં 10 થી 15 ટકા વધારો છતા ધૂમ ખરીદી
- બાળકોમાં કાર્ટુન કેરેકટરવાળી રાખડીનો ક્રેઝ યથાવત
- ગત વર્ષોની તુલનામાં વિવિધ રો-મટીરિયલ્સ અને લેબર વર્કના ભાવ વધતા રાખડી વધુ મોંઘી બની
ભાવનગર : ભાઈ-બહેનના અમર પ્રેમના પ્રતિક સમાન પવિત્ર રક્ષાબંધનના તહેવાર આડે હવે ગણત્રીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરની વિવિધ બજારોમાં એક એકથી ચડીયાતી અવનવી ડિઝાઈનની ચિત્તાકર્ષક રાખડીઓનું ધૂમ વેચાણ થઈ રહ્યુ છે. રાખડી બનાવવા માટેના આવશ્યક વિવિધ રો મટીરીયલ્સ તેમજ લેબર વર્કના ભાવમાં વધારો થતા આ વર્ષે રાખડીના ભાવમાં અંદાજે ૧૦ થી ૧૫ ટકાનો વધારો નોંધાયો છે તેમ છતાં રાખડીના વેચાણમાં ઘટાડો થયો નથી.
દેશભરમાં દરેક તહેવાર ધામધૂમથી ઉજવાય છે અને તેને ઉજવવા પાછળ સામાજિક અને ધાર્મિક મહત્વ રહેલુ હોય છે. શ્રાવણ સુદ પૂનમના પર્વે આગામી તા. ૧૯ ઓગસ્ટને સોમવારે રક્ષાબંધનના તહેવારની પરંપરાગત રીતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. બહેનના ભાઈ પ્રત્યેના નિષ્પાપ, નિર્મળ અને નિસ્વાર્થભાવે સેવેલી શુભેચ્છાઓના પ્રતિક સમાન આ રક્ષાબંધનના અવસરે બહેનો દ્વારા લાડકવાયા ભાઈના કાંડે પવિત્ર રક્ષારૂપી રાખડી બાંધી, ગળ્યુ મો કરાવી તેમના દિર્ઘાયુષ્ય અને પ્રગતિ અંગે પ્રાર્થના કરતી હોય છે. રક્ષાબંધન પર્વ ઢુંકડુ આવી પહોંચ્યુ છે ત્યારે શહેરના વોરાબજાર, પીરછલ્લા શેરી, એમ.જી.રોડ, ખારગેટ, કાળીયાબીડ સહિતના વિસ્તારોમાં આવેલ સીઝનેબલ દુકાનો અને લારીઓમાં, બ્રાન્ડેડ મોલ, શોરૂમમાં ઢગલામોઢે એક એકથી ચડીયાતી અવનવી આકર્ષક ડિઝાઈનવાળી સીમ્પલ, ફેન્સી, ભાભીરાખડી, સુખડ, ઓસ્ટ્રેલિયન, ક્રિસ્ટલ, કોરીયન, મેટાલીક, પારાની રૂદ્રાક્ષ, તુલસી, બ્રેસલેટ રાખડી, બાળકો માટે સુપરમેન, બેટમેન, સ્પાઈડરમેન તેમજ અન્ય કાર્ટુન કેરેકટરવાળી રાખડીઓ પણ ધૂમ વેચાઈ રહેલ છે. તહેવાર નજીક આવતા શહેરની ઉપરોકત બજારોમાં બહેનો મનપસંદ રાખડીની ખરીદી માટે ઉમટી રહી છે. હાલ ભાવનગર શહેરમાં બરોડા, કલકત્તા સાઈડથી આવતી ફેન્સી રાખડીઓ વેચાઈ રહેલ છે. આ સાથે સુરતની નામાંકિત કંપની દ્વારા બનાવાયેલી સાચા ડાયમંડની રાખડી, સોના-ચાંદીની રાખડી વિશેષ આકર્ષણનું રૂપ બની રહેલ છે. બજારમાં હાલ રૃા ૫ાંચની સાદી રાખડીથી લઈને રૃા ૫૦૦૦ ના મૂલ્યવાળી રક્ષા સાથેના મહામૂલ્યવાન સ્નેહના પ્રતિક સમી રાખડીઓ વેચાઈ રહેલ છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે વિવિધ રો મટીરીયલ્સ તેમજ લેબરવર્કના ભાવમાં સડસડાટ વધારો સહિતના કારણે રાખડીના ભાવમાં અંદાજે રૃા ૧૦ થી ૧૫ ટકાનો વધારો નોંધાયો છે.રાખડીની સાથે ભાઈ બહેનના શુભેચ્છા કાર્ડની આપ-લે હવે ક્રમશ ઘટી રહેલ છે. બજારમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં રક્ષાબંધન સંબંધિત હૃદયસ્પર્શી લખાણવાળા કાર્ડ પણ જોવા મળી રહ્યા છે.
લુમ્બા રાખડીનું આકર્ષણ યથાવત
રક્ષાબંધનના પર્વે બહેન લાડકવાયા ભાઈ માટે તો રાખડી ખરીદે જ છે સાથોસાથ નણંદ ભાભી માટે પણ ખાસ અલાયદી ડિઝાઈનર લુમ્બા રાખડી પણ હોંશે હોંશે ખરીદે છે. ભાભી માટેની આ ખાસ લુમ્બા રાખડીની પણ બજારમાં સારી એવી ડિમાન્ડ રહેલ છે. રક્ષાબંધન પર્વે બહેન ભાઈને રાખડી બાંધ્યા બાદ ભાભીને આ લુમ્બા રાખડી પહેરાવે છે. બંગડીની સાથોસાથ અલગ પહેરાવાતી આ લુમ્બા રાખડીમાં પણ હાલ ૧૫ થી વધુ એક એકથી ચડીયાતી ડિઝાઈનો જોવા મળી રહી છે. બજારમાં લુમ્બા રાખડીના તૈયાર સેટ પણ મળી રહ્યા છે.