સોમનાથમાં બીજા દિવસે પણ ડિમોલિશન જારી,144 પાથરણાવાળાઓને હટાવ્યા

Updated: Jan 28th, 2024


Google NewsGoogle News
સોમનાથમાં બીજા દિવસે પણ ડિમોલિશન જારી,144 પાથરણાવાળાઓને હટાવ્યા 1 - image


પાથરણાવાળાઓ હટી જતાં મંદિર આસપાસનો વિસ્તાર બન્યો સૂમસામ

હમીરજી સર્કલગૌરીકુંડ સુધીમાં તમામના ગલ્લા અને ઓટા તોડી પડાયાત્રિવેણી રોડ પર વૈકલ્પિક જગ્યા ફાળવાય એવી સંભાવના

વેરાવળ,પ્રભાસપાટણ :   યાત્રાધામોના વિસ્તૃતિકરણ પ્રોજેક્ટ અંતર્ગત ગઈકાલ સવારથી અહી શરૃ થયેલું મેગાડિમોલિશન આજે પણ જારી રહ્યું હતું. આજે સોમનાથ સમુદ્રની પાછળ અને મંદિરમાં જવાના દરવાજા તરફ સરકારી જમીનમાં બેસતા આશરે ૧૪૪થી વધુ પાથરણાવાળાઓને હટાવી દેવાયા હતા. જેના કારણે ધમધમતો વિસ્તાર સૂમસામ બની ગયો છે. હવે આ પાથરણાવાળઓને વૈકલ્પિક જગ્યા ત્રિવેણી રોડ પર રામમંદિર નજીક ફાળવવામાં આવશે. 

આજે વહીવટી તંત્ર અને પોલીસ તંત્રે બીજા દિવસે પણ ે ડિમોલિશન કામગીરી જારી રાખી હતી. અહી હમીરજી સર્કલ , ગૌરીકુંડ સુધીમાં આવેલા તમામ પાથરણાવાળાઓના ગલ્લા અને ઓટા તોડી પાડવામાં આવ્યા હતા.  જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના જણાવ્યા મુજબ  અહી કોઈ પણ સંજોગોમાં એક પણ દબાણ ચલાવી લેવામાં નહી આવે અહી અગાઉ પાથરણાવાર્ળાઓને સ્વૈચ્છીક રીતે દબાણ હટાવી લેવા નોટિસ આપવામાં આવી હતી. આથી અનેક લોકોએ એમના દબાણ પરથી માલસામાન ભરી લીધા હતા. એ પછી વહીવટી તંત્ર અને પોલીસ તંત્રની હાજરીમાં ૨૦૦થી વધુ પોલીસ મેનો, દસથી વધુ જેસીબી અને ૨૦૦થી વધુ મજૂરો ડિમોલિશનમાં જોડાયા હતા. તેમજ અહી વીસ વીસ વર્ષથી ધંધો કરતા લોકોના ઓટલાઓ તોડી પાડી રસ્તો સાફ કરી નાંખવામાં આવ્યો હતો. જેના કારણે સોમનાથ મંદિર જવાનો રોડ, હમીરજી ગોહિલ સ્મારક ચોક, પથિકાશ્રમ સુધીની બન્ને સાઈડો ખુલ્લી થઈ ગઈ હતી.

 અહી રમકડાં , ફુલહાર,પ્રસાદી, નાળિયેર પાણી સહિતના વેપારીઓ ધંધાવિહોણા થઈ ગયા હતા. સોમનાથના દરિયા પાછળના ભાગે સરકારી જમીનમાં અનેક કાચા પાકા દબાણો ખડકાઈ ગયા હતા. એમ કહેવાય છે કે આ બધાનએ ત્રિવેણી રોડ પર રામમંદિર પાસે વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવશે. 

અહી કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે જિલ્લા કલેકટર, તમામ વહીવટીતંત્ર, ૫૦૦થી વધારે પોલીસમેનો, બે એસઆરપી કંપની, એસઓજી, એલસીબી અને જિલ્લાની તમામ પોલીસ બ્રાંચોને સતર્ક રાખવામાં આવી હતી. જુદી જુદી રીતે ૧૨ ચેક પોસ્ટ પર સઘન ચેકિંગ રાખવામાં આવ્યું છે. અને હજુ પણ જયા જયાં દબાણ હશે ત્યાં દબાણ હટાવવાની કામગીરી ચાલુ રહેશે.

ઝૂંબેશ ઠંડી પાડવા માટે કોળી સમાજમાં મોડી રાત સુધી મીટિંગો ચાલી

પાથરણાવાળાઓને હટાવી લેવા માટે નોટિસ મળ્યા પછી આ ઝૂંબેશ હળવી કરાવવા માટે અહીની કોળી સમાજની વંડીમાં બેઠકોનો દોર ચાલુ થયો હતો. લારી ગલ્લાવાળાઓ, સાંસદ, ધારાસભ્ય, સહિત અનેક રાજકીય આગેવાનો અધિકારીઓને મળ્યા હતા તેમજ પોલીસમાં રજુઆતો કરી હતી. પણ વહીવટીતંત્રે મકકમતા રાખી આ બાબતે કોઈ જ મહેતલ કે રહેમ રાખ્યા વગર કામ ચાલુ કરી દીધું હતુ. રાતે જ પોલીસની મકકમતા જોઈ વેપારીઓ એમનો સામાન ખસેડવા લાગ્યા હતા

ઝેડ પ્લસ સુરક્ષાવાળા સોમનાથ આસપાસ મંજૂરી વગરનાં અનેક બાંધકામો

વેરાવળ :  એમ કહેવાય છે કે ઝેડ કેટેગરીની સુરક્ષા ધરાવતા સોમનાથ મહાદેવ મંદિર આસપાસમાં મંજૂરી વગર કોઈ જ બાંધકામ કરી શકાતું નથી આમ છતાં મંદિર સામેની ગલીઓ, પઠાણવાડા વિસ્તારમાં નગરપાલિકાની કોઈ મંજૂરી વગર ચાર ચાર માળના બાંધકામો ખડકાઈ ગયા છે. અહી જમીનના ભાવો આસમાને પહોંચે એ માટે કોઈને કોઈ કારસાઓ રચાઈ રહ્યા છે. 


Google NewsGoogle News