Get The App

જેસરના જનતા માટે જિલ્લા મથકે બસની સુવિધા વધારવાની માંગણી

Updated: Oct 29th, 2021


Google NewsGoogle News
જેસરના જનતા માટે જિલ્લા મથકે બસની સુવિધા વધારવાની માંગણી 1 - image


- દર્દીઓને પૂરતી બસ સેવાના અભાવે હાડમારી વેઠવાનો વખત 

- પાલિતાણા બસને વાયા જેસર કરવામાં આવે તો લોકોને સગવડતા મળે, ગારિયાધાર, સાવરકુંડલા, મહુવા ડેપોની એક પણ બસ ભાવનગર મુકાતી નથી

જેસર : જેસરને તાલુકા કક્ષાનો દરજ્જો મળ્યાને વર્ષો વિત્યા તેમ છતાં જિલ્લા મથક માટે પૂરતા પ્રમાણમાં એસ.ટી. બસ સુવિધા મળતી નથી. જેના કારણે દર્દીઓ અને કામ-ધંધા અર્થે અપડાઉન કરતા લોકોને હાડમારી વેઠવાનો વખત આવ્યો છે.

જેસર તાલુકાના ગ્રામજનોને જિલ્લા મથકે અને દર્દીઓને હોસ્પિટલે જવા-આવવા માટે એસટી બસની પૂરતી સુવિધા નથી. ફક્ત પાલિતાણા ડેપોની બે બસ સવારે ૬ અને ૭ વાગ્યે મળે છે. ત્યાર પછી બપોરે બે વાગ્યા સુધી એક પણ બસ મળતી નથી. આ બંને બસમાં દર્દીઓ, વિદ્યાર્થીઓ અને રત્નકલાકારો કાયમ માટે અપડાઉન કરે છે, જેથી બંને બસ પાલિતાણા સુધીમાં ભરચક થઈ જતી હોવાથી અન્ય મુસાફરો બસથી વંચિત રહે છે. સતત ટ્રાફિક રહેતો હોવાથી સવારે ૯ વાગ્યે એક બસ જેસરથી ભાવનગર લંબાવાની ખાસ જરૂર છે.

પાલિતાણા ડેપોની એક બસ સવારે ૭ વાગ્યે પાલિતાણાથી જેસર ફેરો કરે છે, આ બસને ૯ વાગે જેસરથી ભાવનગર લંબાવવી ખાસ જરૂર છે. તેવી જ રીતે ભાવનગરથી સવારે ૬ અને ૭ વાગ્યે જેસરની બે બસ ચાલે છે, ત્યારબાદ સાંજે ચાર વાગ્યા સુધી એક પણ બસ મળતી નથી. ભાવનગરથી પાલિતાણા વચ્ચે ઘણી બસ ચાલે છે. ત્યારે બપોરે ૧૨ કલાક અને બે કલાકની ઉપડતી બસને વાયા જેસર ચલાવવામાં આવે તો જેસર પંથકની જનતા માટે બસ સુવિધા વધી શકે તેમ છે. જેસર તાલુકાને હજુ એસ.ટી. ડેપો મળ્યો નથી, જેથી અન્ય ડેપોમાં ફક્ત પાલિતાણા ડેપોની જ બસ ભાવનગર ચાલે છે. ગારિયાધાર, સાવરકુંડલા અને મહુવા ડેપોની એક પણ બસ ભાવનગર મુકાતી નથી. ભાવનગર એસ.ટી. વિભાગીય નિયામકને તાલુકા પ્રમુખને આ અંગે લેખિતમાં રજૂઆત કરાઈ હોવા છતાં હજુ સુધી કોઈ બસ શરૂ કરવામાં આવી નથી. જેસર તાલુકા માટે ભાવનગર ડેપોની બન્ને બસ શરૂ થાય તેવી ગ્રામજનોની માંગણીઓ છે.



Google NewsGoogle News