ભાવનગર રેલવે વર્કશોપના કર્મીઓને ઈન્સેન્ટિવ સ્કીમનો લાભ આપવા માંગ

Updated: Feb 8th, 2024


Google NewsGoogle News
ભાવનગર રેલવે વર્કશોપના કર્મીઓને ઈન્સેન્ટિવ સ્કીમનો લાભ આપવા માંગ 1 - image


- અન્ય વર્કશોપમાં સ્કીમ લાગુ તો ભાવનગર સાથે અન્યાય કેમ ?

- કાલે ઈન્સ્પેક્શન માટે આવી રહેલા જનરલ મેનેજર દ્વારા કર્મચારીઓની ન્યાયિક માંગણી સંતોષવામાં આવે તેવી માંગ

ભાવનગર : ભાવનગર રેલવે વર્કશોપમાં કર્મચારીઓને ઈન્સેન્ટિવ સ્કીમના લાભથી બાકાત રાખવામાં આવ્યા છે. આ મામલે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કર્મચારીઓ વ્યાજબી માંગણી પ્રત્યે રેલવે તંત્ર દ્વારા દુર્લક્ષ્ય સેવવામાં આવી રહ્યું છે. ગુરૂવારે વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર ઈન્સ્પેક્શન માટે આવી રહ્યા હોય, ઈન્સેન્ટિવ સ્કીમ અને જર્જરીત સ્ટાફ ક્વાર્ટર સહિતના પ્રશ્ને હકારાત્મક વલણ દાખવવામાં આવે તેવી કર્મચારીઓને આશા રાખી રહ્યા છે.

વર્ષ ૨૦૧૦માં ભાવનગર રેલવે વર્કશોપ કાર્યરત થયું ત્યારથી વર્કશોપના કર્મચારીઓને ઈન્સેન્ટિવ સ્કીમનો લાભ આપવાની સતત માંગણી કરવામાં આવી રહી હતી. અન્ય વર્કશોપમાં ઈન્સેન્ટિવ સ્કીમનો લાભ આપવામાં આવી રહ્યો છે, પરંતુ ભાવનગર સાથે અન્યાય થઈ રહ્યો હોય તેમ અનેક વખત રજૂઆતો છતાં રેલ પ્રશાસન દ્વારા કર્મચારીઓના પ્રશ્ને ક્યારેય ગંભીરતા દાખવવામાં આવી રહી નથી. આ ઉપરાંત વર્કશોપના કર્મચારીઓને ફાળવવામાં આવેલા સ્ટાફ ક્વાર્ટર પણ ખંડેર જેવી હાલતમાં થઈ ગયા છે. જે અંગે ફરિયાદ કરવામાં આવે તો છ-સાત મહિના સુધી ક્વાર્ટરનું સામાન્ય રીપેરીંગ કામ પણ કરાવવામાં આવતું ન હોવાનો કકળાટ કર્મચારીઓમાં સાંભળવા મળી રહ્યો છે. ભાવનગર વર્કશોપમાં અન્ય રાજ્યના ૫૦૦ જેટલા મળી આશરે ૯૦૦થી વધુ કર્મચારી કામ કરી રહ્યા છે. ત્યારે સ્ટાફ ક્વાર્ટરની જર્જરીત હાલતના કારણે કર્મચારીઓ અને તેમના પરિવારને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઈન્સેન્ટિવ અને સ્ટાફ ક્વાર્ટર બાબતે અગાઉ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં કર્મચારીઓની ન્યાયિક માંગણી સંતોષવામાં આવી નથી. ત્યારે આગામી ૯મી ફેબુ્રઆરીના રોજ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોકકુમાર મિશ્ર ભાવનગર મંડળના ગાંધીગ્રામ-બોટાદ સેક્શનનું સંરક્ષા નિરીક્ષણ કરવા આવી રહ્યા હોય, જીએમ દ્વારા સકારાત્મક વલણ દાખવી કર્મચારીઓને ન્યાય આપવામાં આવે તેવી માંગણી છે.


Google NewsGoogle News