સાવરકુંડલામાં ગૃહ ઉપયોગી વસ્તુઓ વેચવાના નામે લાખોની ઠગાઈ કરનાર ટોળકીને ઝબ્બે કરો
મદ્રાસથી આવેલી કંપનીના કારનામા સામે વિરોધવંટોળ
અસંખ્ય લોકોના લાખો રૂપિયાનું ફુલેકું ફેરવી દીધું છતાં ટોળકીને પકડી ન શકાતાં એસ.આઈ.ટી. રચવાની માગણી
સાવરકુંડલા: સાવરકુંડલામાં પાણીના ભાવે ફર્નિચર, હોમ એપ્લાયન્સિઝ આપવાના નામે ગોલ્ડ સ્ટાર હોમ નીડસ નામની કંપનીના ફ્રોડ સંચાલકોએ લોકો પાસેથી લાખો રૂપિયા એકત્ર કરી રાતોરાત ઉચાળા ભરી નાસી છૂટવાની ઘટના બે માસ પહેલા બની હતી અહીં અસંખ્ય લોકોએ પોતાની જીવનમૂડી ગુમાવી હોવા છતાં આજ સુધી આ ચીટર ગેંગને પોલીસ પકડી શકી નથી. આથી ભોગ બનેલા લોકોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ એસ.આઈ.ટી.ની રચના કરવા માંગણી કરી છે.
સાવરકુંડલામાં મદ્રાસની ટોળકીએ સસ્તા ભાવે ગૃહ ઉપયોગી ચીજ વસ્તુઓ આપવાની સ્કીમ બનાવી હતી. શરૂઆતમાં કેટલાક લોકોને ફરનીચર, ચીજવસ્તુઓ આપી લોકોમાં વિશ્વાસ બેસાડી દીધો હતો. એ પછી નજીકના દિવસોમાં ડિલિવરી બધાને આપી દેશું એવી હૈયા ધારણા આપી હતી અને સેંકડો લોકોએ એડવાન્સ પેટે લાખો રૂપિયાની રકમ ચૂકવી દીધી હતી. એ પછી એક દિવસ રાતોરાત આ વેપારી ટોળકીએ ઉચાળા ભરીને નાસી ગઈ હતી, જેથી અનેક લોકોએ રોવાનો વારો આવ્યો હતો. કેટલાય લોકોએ દીકરીના લગ્ન પ્રસંગ માટે કરિયાવરમાં આપવાની ચીજવસ્તુઓ માટે બૂકિંગ કરાવ્યું હતું. એ બધાને વજ્રઘાત થવા જેવી હાલત થઈ હતી. લૂંટાઈ ગયાનો અહેસાસ અનુભવ્યો હતો.
આ ટોળકી નાસી ગઈ તેને પણ બે માસ જેવો સમય થઈ ગયો છે. આમ છતાં પોલીસ એને પકડી શકી નથી. આ ટોળકીને પકડી પાડવા સ્થાનિક પોલીસ ઉપરાંત એસ.આઈ.ટી.ની રચના કરવામાં આવે એવી લોકોએ માંગણી કરી છે.