કંડલા ગોરખપુર એલ.પી.જી.પાઇપલાઇનનો રૂટ બદલવા રાજુલાના 4 ગામોના ખેડૂતોની માંગ
- ખેડૂતોના ન્યાયિક મુદાઓ તંત્રવાહકો ધ્યાને લેતા ન હોય કચવાટ
- ગેસની પાઈપલાઈન ફળદ્રુપ અને ખેતીલાયક જમીનમાંથી પસાર થતી હોવાથી ખેડૂતોને પારાવાર નુકશાનની ભીતિ
રાજુલાના ભેરાઈ, વિકટર, જોલાપુર અને દાતરડી વગેરે ગામોની ફળદ્રુપ જમીનમાંથી ગેસની પાઈપલાઈન પસાર થતી હોવા સામે ખેડૂતોએ જે તે સમયે જાહેર સુનાવણીમાં પણ આ પાઇપલાઇન નાખવાના પ્રોજેક્ટ સામે વાંધાઓ રજુ કર્યા હતા. તેમજ રાજુલાના પ્રાંત અધિકારીને બહોળી સંખ્યામાં ખેડૂતોએ વાંધાઓ સાથે અગાઉ પણ આવેદનપત્ર આપ્યુ હતું. તેમ છતાં અધિકારીઓનું વલણ હર હંમેશની જેમ પ્રોજેક્ટ તરફી રહેલ છે અને ખેડૂતોના ન્યાયિક મુદ્દાઓને પણ ધ્યાને લેવાતા નથી જેથી ભેરાઈ ગામના ખેડૂતોમાં એવી માંગ ઉઠવા પામી છે કે, ખેતીની કિંમતી અને ફળદ્રુપ જમીનના બદલે એલ.પી.જી. પાઇપલાઇન સરકારી પડતર સર્વે નં.૬૦૩ની બીન ઉપયોગી અને પડતર જમીનમાંથી ગેસ પાઇપલાઇન પસાર કરવામાં આવે. તેમજ બીજા ગામના ખેડૂતો દ્વારા એવું જણાવાયુ હતુ કે, આ ગેસની પાઇપલાઇન ફળદ્પ અને ખેતીલાયક જમીનમાંથી પસાર થતી હોવાથી ખેડૂતોને પારાવાર નુકસાન થાય તેમ છે. હાલમાં પાક ઉભો હોવા છતાં કંપનીના અધિકારીઓ ખેડૂતોને દબાવીને જમીન સોંપવા નોટીસ આપીને ખેડુતો ઉપર દબાણ ઊભું કરી રહેલ છે, આ રીતે બળજબરીથી ખેડૂતોની ફળદ્રુપ જમીનમાં ગેસની પાઇપલાઇન નખાય તો ખેડૂતોની જમીન અન્યોને વેચી શકાય નહીં તેમજ આ જમીનમાં કોઈપણ જાતનું ખોદકામ કરી શકાય નહીં જેથી આ જમીનની કિંમત ખૂબ જ ઓછી થઈ જાય જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થાય તેમ છે. આ અંગે ઉપરોકત ચાર ગામોના ખેડૂતોએ મોટી સંખ્યામાં હાજર રહી રાજયપાલને સંબોધીને પાઇપ લાઇનનો રૂટ બદલવા નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.