મેડિકલ કોલેજના 93 વિદ્યાર્થીને હાજરીના દિવસો પૂર્ણ નહીં થતા ડિટેઇન કરવાનો નિર્ણય

Updated: Oct 8th, 2023


Google NewsGoogle News
મેડિકલ કોલેજના 93 વિદ્યાર્થીને હાજરીના દિવસો પૂર્ણ નહીં થતા ડિટેઇન કરવાનો નિર્ણય 1 - image


- થીયરીમાં 75 ટકા અને પ્રેક્ટીકલમાં 80 ટકા હાજરી જરૂરી

- આગામી દિવસોમાં નેશનલ મેડિકલ કમિશનની સુચનાથી વિદ્યાર્થીઓ માટે બાયોમેટ્રીક હાજરી શરૂ થવાની સંભાવના

ભાવનગર : ભાવનગર મેડિકલ કોલેજના એમબીબીએસ પ્રથમ વર્ષના ૯૩ વિદ્યાર્થીઓને એન.એમ.સી.ના નિર્ણય પ્રમાણે હાજરી પૂર્ણ નહીં થતા ડીન દ્વારા ડિટેઇન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી આ વિદ્યાર્થીઓ આગામી યુનિવર્સિટીની પરીક્ષાથી અળગા રાખવામાં આવશે. મેડિકલ કોલેજના આ નિર્ણયથી વિદ્યાર્થીઓમાં નારાજગી ફેલાવા પામી છે.

નેસનલ મેડિકલ કમિશનના નોમ્સ પ્રમાણે થીયરીમાં ૭૫ ટકા હાજરી અને પ્રેક્ટીકલમાં ૮૦ ટકા વિદ્યાર્થીની હાજરી ફરજિયાત હોય છે. આ ઉપરાંત એડમિશન સમયેથી એક માસમાં નિયત બોન્ડ જમા કરાવવાના હોય છે પરંતુ ઘણા વિદ્યાર્થીઓએ આ બોન્ડ જમા નહીં કરાવતા તેમજ હાજરીના દિવસો ઓછા થતા ત્રણે ફેકલ્ટીના એચ.ઓ.ડી. દ્વારા નિયમ ભંગ કરેલ વિદ્યાર્થીઓના નામના લીસ્ટ સાથે ડિટેઇન કરવાની યાદી ડીન સમક્ષ મૂકાઇ હતી. જે પ્રોસેસ અનુસંધાને ડીને એમબીબીએસના પ્રથમ વર્ષના કુલ ૯૩ વિદ્યાર્થીઓને ડિટેઇન કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. જો કે, આ નિર્ણયથી વિદ્યાર્થીઓમાં નારાજગી પ્રવર્તી હતી. આ ડિટેઇન કરાયેલ વિદ્યાર્થી યુનિવર્સિટીની પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. જો કે, હાલ આ વિદ્યાર્થીઓની પ્રિલીમરી પરીક્ષા ચાલી રહી છે જેના ભવિષ્ય ઉપર પણ પ્રશ્નાર્થ લાગ્યો છે. આ ૯૩ વિદ્યાર્થીમાં મોટાભાગના વિદ્યાર્થીઓની હાજરી નિયમાનુસાર પૂર્ણ થતી ન હોવાનું જણાયું છે. એક તબક્કે કોલેજના કર્મચારીઓ માટે બાયોમેટ્રીક હાજરી અમલી બનાવાય છે અને નેશનલ મેડિકલ કમિશન દ્વારા વિદ્યાર્થીઓની હાજરી પણ બાયોમેટ્રીક કરવાની સુચના જારી થઇ છે. ત્યારે આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ માટે પણ આ નિયમ લાગુ થવાની સંભાવના છે.


Google NewsGoogle News