Get The App

ખજૂરમાં 20% નો વધારોઃ આરોગ્યવર્ધક હોવાના કારણે શિયાળામાં માંગ વધી

Updated: Nov 23rd, 2024


Google NewsGoogle News
ખજૂરમાં 20% નો વધારોઃ આરોગ્યવર્ધક હોવાના કારણે શિયાળામાં માંગ વધી 1 - image


- ગુણવત્તાની દ્રષ્ટિએ કાળો ખજૂર સર્વશ્રેષ્ઠ

- શહેરમાં શિયાળા દરમિયાન અંદાજે રૂ.એકાદ કરોડના ખજૂરનું વેચાણ 

ભાવનગર : શિયાળાની આરોગ્યવર્ધક ઋુતુના પ્રારંભની સાથે જ ભાવનગર શહેરના દાણાપીઠ સહિતની બજારોમાં સ્વાસ્થ્યવર્ધક ગણાતા ખજુરની માંગમાં દિન-પ્રતિદિન ઉછાળો આવી રહ્યો છે. તાજેતરમાં ડોલરના ભાવ ઉંચકાતા યુધ્ધના ભણકારા વાગતા ગત વર્ષની તુલનામાં આ વર્ષે ખજુરના ભાવમાં અંદાજે ૨૦ ટકાનો વધારો થયો હોવા છતાં ગોહિલવાડમાં ખજુરની માંગ યથાવત રહેવા પામેલ છે.

શિયાળાની ઋુતુના આગમનની સાથે જ શરીરના આરોગ્ય પ્રત્યે ચિંતિત શહેરીજનો દ્વારા સ્વાસ્થ્યવર્ધક ખાદ્યસામગ્રીઓ અને પીણા તરફ વળી રહ્યા છે. ભાવનગર શહેરમાં અગાઉના વર્ષની તુલનામાં હવે લોકોમાં આરોગ્યની સુખાકારી અંગે અવેરનેસ વધી રહી હોવાથી શહેરની બજારોમાં આરોગ્યવર્ધક ખજુરની માંગમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે.આજથી ૧૦૦ થી વધુ વર્ષ અગાઉ ભાવનગર શહેરના જુના બંદર ખાતે મહાકાય વહાણોમાં ખજુર ઢગલામોઢે ભાવનગરમાં આવતો હતો. જયારે હવે  ઈરાન અને ઈરાક ખાતેથી દરિયાઈ માર્ગે કંડલા પોર્ટ અને ત્યાંથી મહાકાય કન્ટેઈનરમાં ભાવનગર સહિત રાજયભરમાં ખજુર મોકલાઈ રહ્યા છે. ડોલરનો ભાવ વધી જતા અને ટ્રાન્સપોર્ટેશન અને લેબરચાર્જ મોંઘો થતા તેમજ યુધ્ધના ભણકારા વાગતા ભાવનગર શહેરની બજારોમાં ખજુરના ભાવમાં  કિલોએ ૨૦ ટકાનો ભાવ વધ્યો છે તેમ છતાં આરોગ્યપ્રેમીઓ ખજુરની ધૂમ ખરીદી કરી રહ્યા છે. ગત કોરોનાકાળ દરમિયાન પણ ઈમ્યુનિટિ વધારવા માટે ખજુરનો સર્વાધિક ઉપયોગ થયો હતો. ખજુરનો પાણીપુરી,ભેળપુરી માટેની સ્પેશ્યલ ચટણી ઉપરાંત ખજુરપાક અને ખજુરમિશ્રિત દુધ માટે પણ વિશેષ ઉપયોગ કરાઈ રહ્યો છે. જૈન સમાજ દ્વારા પણ કાર્તિકી પૂર્ણિમાથી ફાગણ સુદ તેરસ સુધી ખજુરનો મહત્તમ ઉપયોગ કરવામાં આવતો હોય છે. જયારે ઈતર જ્ઞાાતિ બારેમાસ ખજુરનો ઉપયોગ કરતા હોય છે. જયારે મુસ્લિમ સમાજમાં રોઝા ખોલવા માટે ખજુરની અત્યંત આવશ્યકતા રહેતી હોય છે. શિયાળાની ઋુતુ ઉપરાંત હોળી-ધૂળેટીના તહેવાર દરમિયાન પણ ખજુરના વેચાણમાં અવિરતપણે વૃધ્ધિ થતી હોય છે.  ઈરાન અને ઈરાકથી ખજુર ડાયરેકટ આવતો હોય તેમાં ભેળસેળ થતી  ન હોવાનુ અને ખજુર ચાસણીયુકત આવતો હોવાની લોકોમાં ખોટી માન્યતા પ્રવર્તતી હોવાનું જણાવી શહેરના દાણાપીઠના ખજુરના એક પીઢ જથ્થાબંધ વેપારીએ વધુમાં જણાવ્યુ હતુ કે, ખજુર કાળો, લાલ અને પીળો સહિત વિવિધ પ્રકારમાં મળી રહ્યો છે. જેમાં કાળો ખજુર શામરણ તરીકે, લાલ ખજુર અલવાઈ તરીકે તેમજ પીળો ખજુર જાયદી તરીકે ઓળખાય છે. તેમાં ગુણવત્તાની દ્રષ્ટિએ કાળી ખજુર સર્વશ્રેષ્ઠ છે. કાળો ખજુર રૂા ૧૮૦ નો કિલો જયારે અન્ય ખજુર રૂા ૧૨૦ આસપાસના કિલોના ભાવે વેચાઈ રહ્યો છે તેમ ખજુરના વિક્રેતા અશોકભાઈએ જણાવી વધુમાં ઉમેર્યુ હતુ કે,  દિવાળીથી હોળી સુધી ખજુરની સીઝન સતત ધમધમતી રહે છે.જે દરમિયાન અંદાજે રૂા એકાદ કરોડની કિંમતના ખજુરનુ આસાનીથી વેચાણ થઈ જાય છે. 

ખજુર ગરમ નથી, ઠંડો છે

આરોગ્યવર્ધક ખજુરને બૃહણ એટલે કે, શરીરને પુષ્ટ કરનારી કહી છે. ખજુર ગરમ નથી, ઠંડો છે,  શીતળ હોય શરીરને ઠંડક આપતો હોય છે. ખજુરમાં રહેલ લોહતત્વ માંસ કરતા પણ વધારે છે.તેમાં વિટામીન એ,બી અને બી-૨નું પ્રમાણ પણ નોંધપાત્ર છે. ખજુર ખાવાથી રકતપિત્ત, મળશુધ્ધિ, થાક દૂર કરવા, હિમોગ્લોબીન, સફેદ દાઘ, વીર્યવૃધ્ધિ, વજન વધારવા સહિતના રોગમાં તે અસરકારક સાબીત થતો હોય છે તેમ ચરકશાસ્ત્રમાં દર્શાવાયુ છે.આરબ કન્ટ્રીમાંથી આવતા સંપુર્ણ લોહતત્વ ધરાવતા ખજુર ખાવાથી કફ, વાયુ મટે છે, સવારે નરણા કોઠે ઘી સાથે ખજુર ખાવાથી રોગ સામે તકવાની શકિત વધે છે


Google NewsGoogle News