ધંધુકામાં મેઈન પાઈપલાઈનના મરામતની ધીમી કામગીરીથી અકસ્માતનો ભય
- 17 દિવસથી પાણીથી વંચિત રહેતા રહિશોમાં તંત્ર સામે આક્રોશ
- લાંબા અને ઉંડા ખાડાઓ તેમજ હાઈવે પર માટીના ઢગને લઈને વાહનચાલકોને વાહન તારવવામાં ભારે મુશ્કેલી
ધંધુકા હાઈવે રોડ પહોળો કરવાની ખોદાણની કામગીરીથી પાણીની મેઈન લાઈન તૂટી જવાથી આજે આ લાઈન ફરી ફરીને ત્રીજી વખત ખોદાઈ છે. આ કામગીરીમાં પાણીની પાઈપલાઈન તૂટે અને સમય લાગે જે સ્વાભાવિક પણે ફરી ફરી થોડા જ દિવસોમાં ત્રણ ત્રણ વાર ખોદાય અને પુરાય જેનુ આશ્ચર્ય છે. ભાવનગરથી અમદાવાદના ધમધમતા હાઈવે ઉપરાંત આજુબાજુના ગામડાઓ, બાજુમાં માર્કેટ યાર્ડમાં ચીજવસ્તુઓ વેચાણ અર્થે આવતા અનેક વાહનો, હોસ્પિટલ, રહેણાંકીય વિસ્તારો વગેરેની અગત્યતા સમજી ઝડપી અને પાક્કુ કામ થવુ જોઈએ. તેના બદલે ત્રણ ત્રણ વખત ખોદાય જે આશ્ચર્ય છે.હાઈવેની બાજુના પાઈપ લાઈનના લાંબા લાંબા અને ઉંડા ઉંડા ખાડાઓ અને હાઈવેની સાઈડમાં ખોદાણની માટીના ઢગથી રાત્રીના વાહનચાલકો માટે અકસ્માતનો મોટો ભય સેવાઈ રહ્યો છે.આ સાથે ગંભીર બાબત તો એ છે કે આ લાંબા અને ઊંડા ખાડા અને રોડ સાઈડના માટીના ગંજ સામેની હાઈવે પરની ડીવાઈડરના ત્રણ થાંભલાની લાઈટ સદંતર બંધ છે. યોગાનુયોગ આ ખાડા અને માટીના ગંજની સામે હાઈવેના ડીવાઈડરના ત્રણ થાંભલાની જ લાઈટો બંધ છે.જેથી આ ખાડા અને માટીના ગંજ રાત્રીના સમયે બરાબર જોઈ શકાતા નથી.તેમજ ધમધમતા અને અતિ ટ્રાફીક રોડની અગત્યતા સમજી તેમજ આ ખાડા અને માટીના ઢગ પાસેનો વૈષ્ણવ સોસાયટીનો લાઈટનો થાંભલો જે આ ખાડા અને માટીના ઢગને પ્રકાશ આપી શકે તે વૈષ્ણવ સોસાયટીનો હાઈવે પરનો થાંભલો ટીસી/૨૨/૨૪ પણ યોગાનુયોગ બંધ છે.લાંબા દિવસોથી ચાલી રહેલ પાઈપ લાઈનના મરામત કામથી અનેક લોકો દિવસોથી પાણીથી વંચિત રોષ ઠાલવી રહ્યા છે.કાચબા છાપ ગતિએ થતી કામગીરીને લઈને આ પાઈપ લાઈનથી પાણી મળનારને છેલ્લા ૧૭ દિવસથી પીવાનું પાણી મળી રહયું નથી.જે બાબતે પણ લોકોનો તીવ્ર આક્રોશ છે. ધંધુકા તાલુકાના વિકાસ મંચ દ્વારા પણ પ્રાંત ઓફિસર,કલેકટર, મામલતદાર તેમજ ચીફ ઓફિસરને રજૂઆત કરાઈ છે.