મહુવાના સંઘેડાના દાંડિયાની આજેય દેશ-વિદેશમાં બોલબાલા
- નવરાત્રીમાં ગરબે ઘૂમવા માટે કાષ્ઠના દાંડિયા વર્ષોથી પ્રખ્યાત
- લાકડાની વસ્તુઓની માગ ઘટવા છતાં વડવાઓના વ્યવસાયને વળગી રહ્યા છે કસબીઓ
માતાજીના નવલા નોરતાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ખેલૈયાઓ પણ આતુરતાપૂર્વક ગરબે રમવાની રાહ જોઈ રહ્યા છે. અગાઉથી જ ટ્રેડિશનલ કપડા અને દાંડિયાની ખરીદીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે ખ્યાતિપ્રાપ્ત મહુવા જ્યાં વર્ષોથી મહુવાના સંઘેડાના દાંડિયા દેશ વિદેશ સુધી પ્રખ્યાત રહ્યા છે. જો વિદેશી સૌરાષ્ટ્રની મુલાકાત લે તો મહુવાના સંઘેડાંની મુલાકાત પહેલા લેતા હોય છે. આમ તો મહુવાની સંધેડા બજાર વસ્તુઓ બનાવવા માટે પ્રખ્યાત છે. જેનું વેંચાણ દેશ વિદેશ સુધી થતું આવ્યું છે.
નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ સંખેડા બજારમાં લાકડાના દાંડિયાનંછ વેચાણ શરૂ થઈ ગયું છે મુખ્યત્વે બ્રહ્મ ક્ષત્રિય સમાજ આ લાકડાની વસ્તુઓની બનાવટ સાથે વર્ષોથી જોડાયેલો છે. જેઓ વેસ્ટ લાકડામાંથી બેસ્ટ વસ્તુઓ બનાવવાનો બિઝનેસ પરંપરાગત રીતે કરી રહેલ છે. લાકડાની વસ્તુઓ સંઘેડા પર ચડાવીને બનાવતી હોય છે. જેથી આ બજાર સંઘેડા બજાર તરીકે ઓળખાય છે. ખાસ તો લાકડાની વસ્તુઓ મહુવાની સંઘેડા બજારમાં જ મળતી હોય છે.
નવરાત્રીમાં ગરબે ઘૂમવા માટે તો અહીંના લાકડાના દાંડિયા તો વર્ષોથી પ્રખ્યાત છે. લાકડાના દાંડિયા પર લાખના કલરથી ફેન્સી લુક આપવામાં આવે છે. હાલના સમયમાં આધુનિક યુગ મુજબ લાકડાની વસ્તુઓની માંગ ઓછી થતા અને ધંધામાં મશીનરીનો ઉપયોગ ચાલુ થતા બ્રહ્મ ક્ષત્રિય શ્રમિકો અન્ય ધંધા તરફ વળી ચૂક્યા છે, પરંતુ પરંપરાને વળગીને તેમના વડવાઓએ કરેલ વ્યવસાયને વળગીને આ સમાજના અમુક લોકો આજે પણ આ વ્યવસાય સાથે જોડાયેલા રહ્યા છે. પરિણામે હાલના આધુનિક યુગમાં પણ મહુવાના સંઘેડાના દાંડિયાની માંગ દેશ-વિદેશ સુધી યથાવત રહી છે.