સેલીબ્રીટીના ફોટા અને વીડિયો લાઇક કરવાના નામે સાયબર ફ્રોડ
સાયબર ફ્રોડમાં પાંચ અરજદારોને નાણાં પરત અપાવાયા
સાયબર ક્રાઇમ પોલીસ અવારનવાર અપીલ કરે છે છતાં એક જ રીતથી અરજદારો છેતરાતા રહે છે !
રાજકોટ: સેલીબ્રીટીના ફોટા અને વીડિયોને લાઇક કરી પૈસા કમાવ તેવી સ્કીમમાં જોડાયેલા મયુરરાજ લાલજીભાઈ વાઘેલા (ઉ.વ.૨૮, રહે. કડવા પ્લોટ શેરી નં. ૨, ગોંડલ રોડ)એ રૂા. ૧.૪૪ લાખ ગુમાવ્યા હતાં. જેમાંથી તેને સાયબર ક્રાઇમ પોલીસે રૂા. ૧.૨૯ લાખ પરત અપાવ્યા હતાં.
અરજદાર મયુરરાજના વોટ્સએપ પર એક મેસેજ આવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે તમે સેલીબ્રીટી અને તેના ફોટા ઉપરાંત વીડિયોને લાઇક કરી પૈસા કમાવી શકો છો. જેથી તેમ કરતાં શરૂઆતમાંં થોડું વળતર મળ્યું હતું. ત્યાર પછી પ્રિ પેઇડ ટાસ્કમાં વધારે વળતરની લાલચ આપી એક લીન્ક મારફત અલગ-અલગ ટ્રાન્જેકશનવાળા રૂા. ૧.૪૪ લાખ ટ્રાન્સફર કરાવી ફ્રોડ કરાયું હતું.
બીજા અરજદારને ન્યૂડ કોલ આવ્યો હતો. જેનું સ્ક્રીન રેકોર્ડીંગ કરી તેની સાથે રૂા. ૯૩ હજારનું ફ્રોડ કરાયું હતું. જે અંગે અરજદારે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઉપર અરજી કરી હતી. જેના અંતે સાયબર ક્રાઇમ પોલીસે રૂા. ૨૪,૮૪૪ પરત અપાવ્યા હતાં.
ત્રીજા અરજદાર નિર્મળભાઈ ગુણવંતભાઈ મકવાણાને તેના ટેલિગ્રામ એકાઉન્ટ પર ઓનલાઇન હોટલને રેટીંગ આપીને ટાસ્ક પૂરા કરી, ઓછા રોકાણમાં વધુ રૂપિયા કમાવવાની લાલચ અપાઇ હતી. જેમાં ફસાઇ રૂા. ૯૬,૫૦૦ ગુમાવ્યા હતાં. આ અરજદારને તેમાંથી રૂા. ૭૮,૨૩૩ સાયબર ક્રાઇમ પોલીસે પરત અપાવ્યા હતાં.
ચોથા અરજદારને પણ ટાસ્ક પૂરા કરી ઉંચા વળતરની લાલચ આપી રૂા. ૯૫ હજારના શીશામાં ઉતારાયા હતા. જેમાંથી સાયબર ક્રાઇમ પોલીસે રૂા. ૮૩,૧૦૭ પરત અપાવ્યા હતા.
પાંચમાં અરજદાર અશોકભાઈના ભાઈ દર્શને ફેમિલી સાથે જયપુર ફરવા જવાનું નક્કી કર્યું હતું. આ માટે એક હોટલના ગૂગલ પર નંબર સર્ચ કરતા ગઠીયાનો ભેટો થઇ ગયો હતો. જેણે તે હોટલના કર્મચારી તરીકેની ઓળખ આપી અરજદારના ક્રેડીટ કાર્ડ પર ૨૦ ટકા ડીસ્કાઉન્ટની ઓફર આપી કુલ રૂા. ૨.૮૭ લાખની ઠગાઇ કરી હતી. જે અંગે અરજદારે સાયબર ક્રાઇમના હેલ્પલાઇન નંબર ઉપર ફરિયાદ કરી હતી. જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસે રૂા. ૨.૦૯ લાખ પરત અપાવ્યા હતાં.
આ પાંચેય અરજદારો સાથે જે રીતે સાયબર ફ્રોડ થયું તે રીતે અત્યાર સુધીમાં સંખ્યાબંધ અરજદારો સાથે સાયબર ફ્રોડ થઇ ચૂક્યા છે. આ અંગે અવારનવાર જાગૃત રહેવા માટે સાયબર ક્રાઇમ પોલીસ અનુરોધ કરતી હોય છે. આમ છતાં અરજદારો છેતરાતા રહે છે.