વિદેશથી આયાત થતાં લોખંડ-સક્રેપથી અલંગના સ્ક્રેપ વ્યવસાય પર સંકટ
- આયાત થતાં લોખંડ-સ્ક્રેપના કારણે છેલ્લા બે વર્ષમાં સ્ક્રેપના ભાવમાં ઘટાડો
- છેલ્લા 2 વર્ષમાં અલંગના સ્ક્રેપનો ભાવ રૂ. 17 સુધી ગગડયો, વર્ષ- 2022 માં રૂ. 50 સુધી પહોંચી ગયેલો સ્ક્રેપનો ભાવ હાલ રૂ. 33 સુધી ઘટયો
ભાવનગરની આર્થિક કરોડરજ્જૂ અલંગ મંદીના વમળોમાં ફસાયેલું છે અને તેની અલંગ સાથે સંલગ્ન રોલિંગ મીલ અને સ્ક્રેપના વ્યવસાયો પર પણ અસર જોવા મળી રહી છે. શિપ બ્રેકિંગ ઉદ્યોગના કારણે ભાવનગરમાં સ્કેપનો વ્યવસાય વ્યાપક પ્રમાણમાં વિસ્તરેલો છે. પરંતુ છેલ્લા બે વર્ષોમાં સ્ક્રેપના ભાવમાં આવેલા નોંધપાત્ર ઘટાડાના કારણે અલંગના નાના-નાના સ્ક્રેપના વેપારીઓની મુશ્કેલી વધી છે. સ્થાનિક કક્ષાએ ઉત્પાદન ઉપરાંત દેશમાં મોટા પ્રમાણમાં લોખંડ અને સ્ક્રેપની આયાત કરવામાં આવે છે. વિદેશમાંથી આયાત થતાં લોખંડ અને સ્ક્રેપથી અલંગના સ્ક્રેપ વ્યવસાય પણ પણ સંકટ તોળાઈ રહ્યું છે. દેશભરમાં લોખંડ અને સ્ક્રેપના ભાવ પંજાબના મંડી બજારમાંથી નક્કી થાય છે. વિદેશમાંથી આયાત થતા લોખંડ-સ્ક્રેપના કારણે એક સમયે રૂ.૫૦ પ્રતિ કિલો સુધી પહોંચી ગયા હતા. બાદમાં અલંગના સ્ક્રેપની છેલ્લા બે વર્ષમાં કિંમત હાલ રૂ.૧૭ સુધી ઘટી ગઈ છે. વર્ષ-૨૦૨૨માં અલંગમાં સ્ક્રેપનો ભાવ પ્રતિ કિલો રૂ. ૪૮થી ૫૦ આસપાસ રહ્યો હતો. જે પછી વર્ષ ૨૦૨૩માં આ ભાવ રૂ.૧૦ સુધી ઘટીને રૂ.૪૦થી ૪૨ રહ્યો અને ચાલુ વર્ષ-૨૦૨૪માં અલંગના સ્કેપની કિંમત રૂ.૩૨થી ૩૪ આસપાસ રહ્યો છે. છેલ્લા બે વર્ષમાં અલંગના સ્ક્રેપનો ભાવ રૂ.૧૭ સુધી ગગડી જતાં અલંગ સાથે જોડાયેલા નાના-નાના સ્ક્રેપના વેપારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકાર દ્વારા અલંગને મંદીના વમળોમાંથી બહાર કાઢવા માટેને પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે ત્યારે વિદેશમાંથી આયાત થતાં સ્ક્રેપ-લોખંડ પર કંટ્રોલ આવે તો જ દેશનો લોખંડ અને સ્ક્રેપનો વ્યવસાય યોગ્ય રીતે ચાલશે અને તેનો અલંગને પુરતો લાભ મળશે. આ મુદ્દે શિપ બ્રેકિંગ એસોસિએશના હોદ્દેદારોએ નિવેદન આપવાનું ટાળ્યું હતું અને મૌન સેવ્યું હતું.પરંતુ એસોસિએશન રાજ્ય અને કેન્દ્ર સરકારનું ધ્યાન દોરી કોઈ રસ્તો કાઢે તે જરૂરી છે કારણ કે તેનાથી અલંગના સ્ક્રેપના નાના વેપારીઓને ફાયદો થશે.