ધંધુકા પંથકમાં સીઝનના પ્રારંભે સારા વરસાદથી કપાસની વાવણી શરૃ
ખેડૂતોના ઘરે લાપસીના આંધણ મુકાયા
જગતનો તાત વાવણીના કામમાં મગ્ન બન્યો, હજુ પણ સારા વરસાદની આશા બંધાઈ
ધંધુકા : ધંધુકા તાલુકામાં આકરા ઉનાળાએ વિદાય લીધી છે. ચોમાસાની મોસમ શરૃ થઈ ગઈ છે. ચાલુ સાલે ચોમાસામાં સારા અને સમયસર વરસાદની આશા બંધાઈ છે. ધંધુકાના મામલતદાર કચેરીના કન્ટ્રોલ રૃમમાં સીઝનનો ૫૧ મી.મી. (બે ઈંચ) વરસાદ નોંધાતા પંથકમાં કપાસનું વાવેતર શરૃ કરવામાં આવેલ છે. અને ખેડૂતોએ ઘેર ઘેર લાપસીના આંધણ મુકયા હતા.
ધંધુકામાં ચોમાસાની સીઝનની સારી શરૃઆત થઈ છે. સાંજ પડે અને
વાદળો ચડી આવે છે અને મોટા વરસાદી ઝાપટા વરસાવે છે.સીઝનના પ્રારંભીક દિવસોમાં જ બે
ઈંચ વરસાદ વરસતા જગતનો તાત વાવણીના કામમાં લાગી ગયો છે. આ પંથકમાં મુખ્યત્વે
કપાસનું વાવેતર થતુ હોય ખેડૂતોએ બીયારણ,
ખાતર અને જંતુનાશક મોંઘા ભાવની દવાઓનો સ્ટોક કરી લીધો છે. ઘણા વિસ્તારોમાં
કપાસની વાવણી શરૃ થઈ ગઈ હોવાના અહેવાલો મળ્યા છે. પંથકના વાસણા, છારોડીયા, છસીયાણા, રંગપુર, અડવાળ, જાળીયા સહિતના
ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ કપાસની વાવણી શરૃ કરી દીધી હોવાનું જાણવા મળેલ છે.
ચોમાસાની સારી અને શુભ શરૃઆત થતા ખેડુતોને સમયસર ખેતીને લાયક સારા વરસાદની આશા
બંધાઈ છે.