ડિમોલીશનનો ડર દેખાડી ભ્રષ્ટાચાર : 228 બાંધકામો તોડવા આદેશ, તોડયા માત્ર 11

Updated: Jul 19th, 2024


Google NewsGoogle News
ડિમોલીશનનો ડર દેખાડી ભ્રષ્ટાચાર : 228 બાંધકામો તોડવા આદેશ, તોડયા માત્ર 11 1 - image


રાજકોટમાં ૪ વર્ષમાં ટીઆરપી ગેમઝોન જેવી ૨૧૩૧ મિલ્કતોને નોટિસ ફટકારી

જન.બોર્ડમાં પ્રશ્ન અન્વયે મનપાએ જારી કરેલી વિગત પણ ગેરકાયદે બાંધકામો શું 'વહિવટ' કરીને રહેવા દીધા તે અંગે માહિતી ન આપી

રાજકોટ :  રાજકોટ મહાાપિલાકની ગઈકાલે યોજાયેલી સામાન્યસભામાં ખુદ મનપાએ જારી કરેલી સત્તાવાર વિગત મુજબ ભ્રષ્ટાચારી વહીવટ કેમ થતો તેનું તારણ બહાર આવ્યું છે. તા.૧.૪.૨૦૨૦થી તા.૩૧.૪.૨૦૨૪ દરમિયાન ચાર વર્ષમાં અગ્નિકાંડવાળા ટીઆરપી ગેમઝોન સહિતની ૨૧૩૧ મિલ્કતોને નોટિસ ફટકારીને તેમાં ૨૨૮ બાંદકામો તોડી પાડવા આદેસ કરીને બાદમાં માત્ર ૧૧ મિલ્કતોના જ ડિમોલીશન કરાયાનો ઘટસ્ફોટ થયો છે.

વિગત એવી છ ેકે કોઈ પણ મિલ્કતમાં પ્લાનથી વિપરીત ગેરકાયદે બાંધકામ ધ્યાને આવે ત્યારે ટી.પી. શાખા દ્વારા તે દૂર કરવા માટે ક. ૨૬૦ (૧) હેઠળ નોટિસ ફટકારાય છે અને ત્યારબાદ તે બાંધકામ રેગ્યુલરાઈઝ્ડ ન થાય કે થઈ શકે તેમ ન હોય તેને તોડી પાડવા માટે ક. ૨૬૦ (૨) હેઠળ કાર્યવાહી થાય છે.

આ અન્વયે ક. ૨૬૦ (૧) હેઠળ ૨૧૩૧ મિલ્કતોને અને ક. ૨૬૦ (૨) હેઠળ ૨૨૮ નોટિસ ફટકારીને ડિમંલીશન કરવાનો મિલ્કતધારક ઉપર ડર ઉભો કરાયો પરંતુ, ટી.પી.ના ભ્રષ્ટ તંત્રએ બાદમાં તેનો અમલ કર્યો નથી. ૨૨૮ પૈકી માત્ર ૧૧ ગેરકતાયદે બાંધકામોનું જ ડિમોલીશન કરાયું છે. અર્થાત ડિમોલીશનનો ડર ઉભો કરીને ભ્રષ્ટ વહીવટ કરાયો છે.

સૌથી વધુ નોટિસો જયાં પ્રાઈમ લોકેશનો છે અને જમીનની કિંમત ઘણી ઉંચી છે તેવા વેસ્ટઝોનમાં ૧૨૮૭ અપાઈ છે જયારે સેન્ટ્રલ ઝોનમાં ૮૪૪ છે. આમ, પછાત પૂર્વ ઝોનમાં નોટિસો ઘણી ઓછી આપી છે.

ડિમોલીશન નહીં કરવા માટેના કારણોમાં અધુરો અને અસ્પષ્ટ જવાબ મહાપાલિકા દ્વારા અપાયો છે. જેનો સૂર એવો નીકળે છે કે મિલ્કતનું ડિમોલીશન અટકાવી દેવા માટે કેટલાકને ઈમ્પેકટ ફીનો કાયદા હેઠળ કે આ કાયદો આવે ત્યારે ઈમ્પેકટ હેઠળ અરજીની તક અપાઈ છે. તો કેટલીક મિલ્કતો ટીઆરપી ગેમઝોનની જેમ રેગ્યુલરાઈઝ્ડ થઈ શકે નહીં તેવી હોવા છતાં તેમાં ભ્રષ્ટાચાર કરીને ડિમલીશન કરવામાં આવ્યું નથી.

ઉલ્લેખનીય છે કે સસ્પેન્ડેડ અને આરોપી ટીપીઓ એમ.ડી. સાગઠીયાએ અગ્નિકાંડ સર્જાયો તે ટીઆરપી ગેમઝોનની ૩૦૦૦ ચો.મી.માં આવેલી ગેરકાયદે ઈમારતનું ડિમોલીશન કરવાનું રોકાવીને મોટી રકમનો તોડ કર્યો હતો. તેવું પોલીસ તપાસમાં ખુલ્યું છે પરંતુ,સાગઠીયાની સાથે સંપેલા કયા નેતાઓ, અન્ય તાબા હેઠળના અને ઉપરી અધિકારીઓએ આમા સાથ આપ્યો છે તે પોલીસ કે એ.સી.બી. હજુ સુધી લોકો સમક્ષ જાહેર કરી શકી નથી.


Google NewsGoogle News