વન વિભાગના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સાવરકુંડલા રેન્જની મુલાકાતે
- અમરેલી જિલ્લામાં રેલવે ટ્રેક ઉપર સિંહોના અકસ્માતના બનાવોને લઈ
- બનાવો કેવી રીતે બને છે ? તે સંદર્ભે કામગીરીને લઈને કરાઈ સમીક્ષા
આ અંગેની પ્રાપ્ય વિગત અનુસાર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ રેલવે ટ્રેક ઉપર સિંહોના અકસ્માતની ઘટનાઓ અમરેલી જિલ્લાના બની રહી છે. થોડા મહિના પહેલા ગુજરાત હાઇકોર્ટે સિંહોના મોત અંગે અધિકારીઓને ખખડાવ્યા હતા અને અધિકારીઓને એ.સી. ઓફીસમાંથી બહાર નીકળવા માટેની પણ ટકોર કરવામાં આવી હતી.
દરમિયાનમાં, આજે ગાંધીનગર વાઈલ્ડ લાઈફ સર્કલના પીસીસીએફ નિત્યાનંદ શ્રીવાસ્તવ, જૂનાગઢ સીસીએફ આરાધના સાહુ, ગીર પૂર્વના ડીસીએફ રાજદીપસિંહ ઝાલા, શેત્રુંજી ડિવિઝનના ડીસીએફ જયન પટેલ સહિત અધિકારીઓનો કાફલો સાવરકુંડલા રેન્જમાં આવી પહોંચ્યો હતો અને કેટલાક સેન્સીટીવ રેલવે ટ્રેક ઉપર વિઝિટ કરી હતી અને બનાવો કેવી રીતે બને છે ? તે સંદર્ભે સ્થાનિક વનવિભાગના અધિકારીઓ, ટ્રેકર્સ, ફોરેસ્ટર, ફોરેસ્ટ ઓફિસરની કામગીરીને લઈ સમીક્ષા કરી હતી. આ ઉપરાંત, રેલવે વિભાગ અને વનવિભાગના સંકલનનો વચ્ચે અભાવ જોવા મળ્યો હોવા સહિતની બાબતે ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
સમગ્ર મામલે જૂનાગઢ સીસીએફ આરાધના સાહુએ જણાવ્યું હતું કે, માત્ર આ ફિલ્ડ વિઝિટ રેગ્યુલર હોય છે. એ રીતે આ વિઝિટ હતી આવું કહી અન્ય મુદા ઉપર વાત કરવાનું ટાળ્યું હતું.
સાવરકુંડલા રેન્જમાં ફેંસીંગ નથી તો હવે શું કરવું : ચર્ચા
રેલવે ટ્રેક ઉપર સિંહોના અકસ્માત અટકાવવા રાજુલા પીપાવાવ પોર્ટ સુધી રેલવે ટ્રેક ઉપર સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ફેન્સિંગ કરવા છતાં અનેક સિંહોના મોત થઈ ચૂક્યા છે. ત્યારે સાવરકુંડલા રેન્જમાં ફેંસીંગ નથી તો હવે શું કરવું? નવો ક્યો પ્રોજેક્ટ લાવવો તે સહિતની બાબતે વનવિભાગ દોડધામ કરી રહ્યું છે. પરંતુ બીજી તરફ સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓ સિંહ પ્રેમીઓની સંસ્થાને પણ અધિકારીઓ દૂર રાખી રહ્યા છે.
સ્થાનિક લોકોનો અભિપ્રાય ધ્યાને લેવા પ્રવર્તતી માંગણી
અમરેલી જિલ્લા પૂર્વ વાઈલ્ડ લાઈફ વોર્ડન વિપુલ લહેરીએ કહ્યું આજે ગાંધીનગર અને ડીવીઝનના અધિકારીઓ સાવરકુંડલા વિસ્તારમાં આંટામારી નીકળી ગયા ખરેખર તો પીપાવાવ પોર્ટ રાજુલા વિસ્તારમાં સિંહોના સૌથી ટ્રેક ઉપર વધુ મોત થયા છે અને હજુ ટ્રેક ઉપર આવી જ જાય છે, ફેંસીંગ છે પણ તૂટેલી છે, અધિકારીઓએ અહીં વિજિટ કરવી જોઈએ સ્થાનિક જાણકાર લોકોના પણ અભિપ્રાય લેવા જોઈએ તો જ આપણે સિંહોને બચાવી શકીશું.