Get The App

ભાવ. શહેર-જિલ્લામાં વસ્તી દરના વધારા સાથે બેકાબૂ બનેલા અવાજના પ્રદુષણ પર નિયંત્રણ જરૂરી

Updated: Feb 26th, 2024


Google NewsGoogle News
ભાવ. શહેર-જિલ્લામાં વસ્તી દરના વધારા સાથે બેકાબૂ બનેલા અવાજના પ્રદુષણ પર નિયંત્રણ જરૂરી 1 - image


- શટલીયા વાહનોમાં ડી.જે.થી મુસાફરોને મુશ્કેલી

- લગ્નસરાની સીઝનમાં બેરોકટોકપણે વગાડાતા ડી.જે. અને વાહનોમાં ફિટ કરાયેલા ભારે હોર્નથી અવાજના પ્રદુષણમાં વધારો

ભાવનગર : ભાવનગર શહેર અને જિલ્લામાં દિન પ્રતિદિન વધી રહેલા વસ્તી વધારાની સાથોસાથ હવે તો ઘરના સભ્યદીઠ વાહનોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે ગીત સંગીત પાછળ વધી રહેલી ઘેલછાને લઈને ડી.જે. તેમજ વાહનોના કર્કશ હોર્નના અવાજનું પ્રદુષણ પણ ચિંતાજનક હદે વધી રહ્યુ છે. તેવા સમયે વાહનોમાં ફિટ કરાયેલા મોટા અવાજવાળા હોર્ન ઉપર નિયંત્રણ મુકવુ જરૂરી બની ગયેલ છે. 

ગોહિલવાડમાં હાલ એકબાજુ ચોતરફ લગ્નસરાની સીઝનનો ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં ચોમેર આવેલ વિવિધ જ્ઞાાતિ, સમાજની વાડી, બોર્ડિંગ, કોમ્યુનિટિ હોલ, પાર્ટીપ્લોટમાં પારિવારિક અને સમુહ લગ્નોત્સવના ધૂમ આયોજનો થઈ રહ્યા છે. તેને લઈને વરઘોડો, ફૂલેકામાં સરાજાહેર બેરોકટોકપણે ઉંચા અવાજે ડી.જે.નું પ્રમાણ હવે દિન પ્રતિદિન વધી રહ્યુ છે. શહેરની સાથોસાથ હવે જિલ્લાના વિવિધ તાલુકા મથકોમાં જ નહિ બલકે ગામડાઓમાં પણ હવે ડી.જે.નું આકર્ષણ વધ્યુ છે. ડી.જે.ના ઉંચા અવાજથી આસપાસના વિસ્તારોમાં જ નહિ બલકે રહેણાંકીય સોસાયટીઓમાં પણ રીતસરની ધુ્રજારી અનુભવાય છે. એટલુ જ નહિ વરઘોડામાં ડી.જે.ના ઘોંઘાટથી બહેરાશના રોગમાં વધારો થાય છે તેવા સંજોગોમાં આવા અતિશય અવાજ ફેંકતા લાઉડ સ્પીકરો પર નિયંત્રણ અતિ આવશ્યક બન્યુ છે. ગત જાન્યુઆરી માસમાં મકરસંક્રાંતિના અવસરે અગાશી, ધાબામાં દિવસ દરમિયાન ચોતરફ કર્કશ અવાજવાળા બ્યુગલ, હોર્ન, પીપુડાનો ત્રાસ સ્થાનિક સોસાયટીઓના સિનીયર સિટીઝનોએ સહન કર્યો હતો.હાલ એકબાજુ ધો.૧૦,૧૨ની બોર્ડની અને યુનિવર્સિટીની પરીક્ષા નજદીક આવતા તેની તૈયારીમાં વિદ્યાર્થીઓ વ્યસ્ત છે ત્યારે તેમના ઘર પાસેથી નિકળતા ડી.જે.ના વરઘોડાને લઈને તેઓના કિંમતી સમયનો વ્યય થાય છે. તેમજ ભાવનગરથી રાજકોટ અને અમદાવાદ હાઈવે તેમજ ભાવનગરથી તળાજા-મહુવા હાઈવે પર દિવસ દરમિયાન પસાર થતા નાના મોટા પેસેન્જર વાહનોમાં ફીટ કરાયેલા મોટા હોર્ન ઉપર નિંયત્રણ લેવામાં ન આવતા દિવસ-રાત્રી દરમિયાન ઉપરોકત હાઈવે પરથી પસાર થતા નાના મોટા શટલીયા વાહનોમાં ફિટ કરાયેલા કર્કશ અવાજવાળા હોર્નથી અવાજનું પ્રદુષણ બેફામ બની રહ્યુ છે. શટલીયા વાહનોમાં ડી.જે.ચાલુ બંધ કરવા બાબતે વાહનચાલકો અને મુસાફરો વચ્ચે શાબ્દીક તકરારના બનાવો પણ રોજીંદા બન્યા છે ત્યારે આ ગંભીર બાબતે લોકજાગૃતિની સાથોસાથ કડક કાર્યવાહી પણ અત્યંત જરૂરી બની ગઈ છે.


Google NewsGoogle News