કાળાતળાવની સરકારી હાઈસ્કુલનું બાંધકામ વિલંબમાં પડયુ
- સ્થળ પર પાણી ભરાતા કામ અટકી જાય છે
- પેટા વિભાગીય કચેરી દ્વારા માટી દૂર કરી આગળની કાર્યવાહી હાથ ધરવા તાકિદ કરાઈ
કાળાતળાવ તેમજ આસપાસના અનેક ગામોના ગરીબ વર્ગના આશાસ્પદ વિદ્યાર્થીભાઈઓ તથા બહેનો માટે અત્યંત ઉપયોગી બની રહેનાર સરકારી હાઈસ્કુલના કામનો વર્કઓર્ડર ગત તા.૨૯ માર્ચ ૨૦૨૩ થી અપાયો હતો. અત્રે જે સ્થળ પર સ્કૂલ બનાવવાની છે તે ખુલ્લુ મેદાન કે રોડ થોડો અંદર છે. આ કામના સ્થળે અગાઉ વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હોય આ પાણીનો નિકાલ કરી કુટીંગની કામગીરી હાથ ધરવા તથા આ સ્થળે પાણી ભરાવાના કારણે પાયામાં કરેલા પી.સી.સી. પર માટી જમા થઈ ગયેલ હોય તે માટી દૂર કરી વ્યવસ્થિત રીતે સફાઈ કર્યા બાદ કુટીંગની ભરાઈ કરવા અંગે જાણ કરવામાં આવી હોવા છતાં ઈજારદાર દ્વારા સુચનાનું પાલન કર્યા વગર કુટીંગની ભરાઈની કામગીરી હાથ ધરવામાં આવેલ. આથી ભાવનગર જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા આ બાબતે ફરીયાદ કરાઈ હતી. જે અંગે પેટા વિભાગીય કચેરી દ્વારા પાયામાં રહેલ માટીને વ્યવસ્થિત રીતે દૂર કરી સફાઈ કરી ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવા સુચના આપવામાં આવી હતી. ત્યારબાદ વરસાદના લીધે આ કામના સ્થળ પર પાણી ભરાઈ જવાની અને ત્યાંની માટી કાળી હોવાના કારણે ભીની માટી સુકાઈ ના જાય ત્યાં સુધી કામ કરી શકાતુ નથી. આ બાબતે ઈજારદારને નોટીસો પાઠવાઈ હતી.આ નોટીસ અન્વયે ઈજારદાર દ્વારા હાલ સુધારાત્મક કામગીરી શરૂ કરવામાં આવેલ છે. આ બારામાં કાળાતળાવના અગ્રણી શાર્દુળભાઈ ડી. ચુડાસમા દ્વારા અધિક નિવાસી કલેકટર સહિત ઉચ્ચ કક્ષાએ આવેદનપત્ર પાઠવી વહેલી તકે બાંધકામ પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.