મહિલાના પ્લોટમાં મકાન બનાવી તેને ભાડે પણ આપી દીધું, ત્રણ સામે ગુનો
મવડી સર્વે નંબરમાં આવેલી જમીનમાં કૌભાંડ
માલવિયાનગર પોલીસે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી
રાજકોટ: ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર શેરી નં. ૧૪માં રહેતા મોતીબેન માંડાભાઇ ચિરોડિયા (ઉ.વ.૫૦)ના મવડી સર્વે નંબરમાં આવેલા પ્લોટમાં લોધીકાના માખાવડ ગામે રહેતા નંદુબેન દાનાભાઈ સોમૈયા અને તેના પરિવારના કિશન અને રવિએ ગેરકાયદે કબજો જમાવી, મકાન બનાવી તેને ભાડે આપી દીધાની લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે માલવિયાનગર પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડની તજવીજ શરૂ કરી છે.
ફરિયાદમાં મોતીબેને જણાવ્યું છે કે ૨૦૧૪ની સાલમાં તેના પરિવાર દ્વારા મવડી રેવન્યુ સર્વે નં. ૯૯ અને ૧૦૦ પૈકીની જમીન પર વાણીયાવાડીના કિશોર કોરાટ, કોઠારીયા મેઇન રોડ પરના અરવિંદ ચૌહાણ અને ગોંડલના પાટીદળના જેન્તીભાઈ લીલાની સંયુક્ત માલિકીના પ્લોટની રૂા. ૯.૨૦ લાખમાં ખરીદી કરવામાં આવી હતી.
જ્યારે ખરીદી કરી ત્યારે પ્લોટ ફરતે કોઇ ફેન્સિંગ ન હતી. ૨૦૨૪ની સાલમાં તે પતિ સાથે પ્લોટ ખાતે ગયા ત્યારે પ્લોટની બાજુમાં રહેતા ત્રણેય આરોપીઓએ ત્યાં પથ્થર નાખી દીધા હતા. જેથી તેમની પાસે જઇકહ્યું કે આ પ્લોટ અમારી માલિકીનો છે, જેથી તમે પથ્થર હટાવી લો. આ વાત સાંભળી આરોપીઓએ કહ્યું કે આ પ્લોટ અમારી માલિકીનો છે, હવે પછી તમે અહીંયા આવતા નહીં, નહીંતર સારાવટ નહીં રહે.
પરિણામે તે વખતે ઘરે જતા રહ્યા હતા. ત્યારપછી આરોપીઓએ ૨૦૨૨ની સાલમાં તેના પ્લોટમાં મકાનનું બાંધકામ ચાલુ કરી દીધું હતું. જાણ થતાં ફરીથી આરોપીઓ પાસે જતાં કહ્યું કે આ પ્લોટ અમારો છે, તમારી થાય તે કરી લેજો, હવે પછી અહીંયા આવ્યા તો તમારી ઉપર એટ્રોસિટીની ફરિયાદ કરશું.
ફરિયાદમાં વધુમાં મોતીબેને જણાવ્યું છે કે આરોપીઓ અવારનવાર સોસાયટીમાં ઝગડા કરતા હોવાથી અને ખોટી ફરિયાદ કરવાની ટેવ ધરાવતા હોવાથી ગભરાઇ જઇ કોઇ કાર્યવાહી કરી ન હતી. આખરે કલેક્ટર ઓફિસમાં આરોપીઓ વિરૂધ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ અરજી કરી હતી. જે ગ્રાહ્ય રખાતા ગઇકાલે માલવિયાનગર પોલીસે આરોપી સામે ગુનો દાખલ કર્યો હતો.